(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 53,605 કેસ, 864 દર્દીઓના થયા મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 53,605 નવા કેસ નોંધાયા છે, જ્યારે 82,266 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે વધુ 864 લોકોના મોત થયા છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની મહામારી થોડા અંશે ધીમી પડી હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ તમામ પ્રતિબંધો હોવ છતા 50 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 53,605 નવા કેસ નોંધાયા છે, જ્યારે 82,266 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે વધુ 864 લોકોના મોત થયા છે.
આ નવા કોરોના વાયરસના કેસની સાથે મહારાષ્ટ્રમાં હવે કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 50 લાખ 53 હજાર 336 સુધી પહોંચી ગઈ છે. મોતનો કુલ આંકડો 75,277 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 43 લાખ 47 હજાર 592 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ઉલ્લેખનીય છે કે 6 મેના રોજ રાજ્યમાં કોરોના સંક્રમણના 62194 નવા કેસ નોંધાયા હતા અને 853 દર્દીઓના મોત થયા હતા. આ પહેલા બુધવારે સૌથી વધારે 920 દર્દીઓના મોત થયા અને 57640 કેસ નોંધાયા હતા. આ પહેલા મંગળવારે કોરોના સંક્રમણના 51,880 નવા કેસ સામે આવ્યા અને 891 લોકોના મોત થયા હતા.
મ્યૂકોરમાઈકોસિસથી 8ના મોત
મહારાષ્ટ્રમાં મ્યૂકોરમાઈકોસિસ(ફંગલ ઈન્ફેક્શન)થી ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. આ લોકો કોરોના વાયરસને મ્હાત આપી ચૂક્યા હતા. રાજ્યમાં આ પ્રકારના આશરે 200 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
16 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 73 લાખ 46 હજાર 544 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.