Karnataka Covid Guidelines: કર્ણાટકે નવા વર્ષની ઉજવણીને લઈ જાહેર કરી ગાઈડલાઈન, જાણો ક્યાં ફરજિયાત કરાયું માસ્ક
Coronvirus: દેશમાં કોરોનાને લઈ રાજય સરકારો સતર્કતા દાખવી રહી છે. કર્ણાટકમાં સ્કૂલ, કોલેજોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત થિયેટરમાં પણ માસ્ક ફરજિયાત કરાયું છે.
Karnataka Covid Guidelines : કોરોના વાયરસે ફરી એકવાર લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં બગડતી પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. આ પછી કર્ણાટક સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટ વચ્ચે કર્ણાટક સરકારે નવા વર્ષની ઉજવણીને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે.
કર્ણાટક સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, નવા વર્ષની ઉજવણી સવારે 1 વાગ્યા સુધી જ કરી શકાશે. આ ઉપરાંત હવે રાજ્યમાં ઘણી જગ્યાએ માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે આ જાણકારી આપી. તેમણે કહ્યું, "ગભરાવાની જરૂર નથી, ફક્ત સાવચેત રહો."
લોકોને સાવચેત રહેવા અપીલ
કોવિડ ગાઈડલાઈન વિશે માહિતી આપતા કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, "મૂવી થિયેટર, શાળા અને કોલેજોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. પબ, રેસ્ટોરન્ટ અને બારમાં નવા વર્ષની ઉજવણી માટે માસ્ક ફરજિયાત રહેશે. સવારે 1 વાગ્યા પહેલા ઉજવણી સમાપ્ત થઈ જશે. " તેમણે લોકોને ગભરાવાની જગ્યાએ સાવચેતી રાખવા અપીલ કરી છે.
22 ડિસેમ્બરે ફેસ માસ્ક ફરજિયાત બન્યો
કર્ણાટક સરકારે ગુરુવારે (22 ડિસેમ્બર) બંધ સ્થળોએ ફેસ માસ્ક ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ રવિવારે (25 ડિસેમ્બર) કોરોનાને લઈને ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા જારી કરવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "કેન્દ્ર તરફથી કોરોના રોગચાળાના ખતરાને લઈને ઘણી માર્ગદર્શિકા આવી છે. રાજ્ય સરકાર પણ તેના તરફથી જરૂરી પગલાં લેવા જઈ રહી છે. આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કે સુધાકર 26 ડિસેમ્બરે નવી માર્ગદર્શિકા બહાર પાડશે."
Masks have been made mandatory inside movie theatres, schools&colleges. Masks will be mandatory to celebrate the New Year in pubs, restaurants & bars. New Year celebrations to end before 1 am. No need to panic, just have to take precautions: Karnataka Health Minister
— ANI (@ANI) December 26, 2022
(file pic) pic.twitter.com/cUY63BcaRG
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 196 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગત દિવસે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું હતું. સક્રિય કેસ નજીવા રીતે ઘટીને 3,428 થયા છે. કોવિડ કેસની કુલ સંખ્યા વધીને 4.46 કરોડ (4,46,77,302) થઈ ગઈ છે.