કોવિશિલ્ડ રસી લેનારા 55% લોકોને થઈ છે આવી આડઅસરો, રિસર્ચ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
55% લોકોએ હળવી આડઅસરોનો અનુભવ કર્યો છે જેમ કે તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને ઈન્જેક્શન સાઇટ પર દુખાવો. બાકીના 45% લોકોને કોઈ આડઅસર થઈ નથી.
Covishield Side Effects: આસામ મેડિકલ કોલેજ હોસ્પિટલનાં વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોનાની સામે લડવા માટેની કોવિશિલ્ડ રસીની પ્રથમ માત્રા લેનારા 55% લોકોએ તાવ અને માથાનો દુખાવો જેવી હળવી આડઅસરોનો અનુભવ કર્યો હતો. આ લક્ષણો રસીકરણના એક સપ્તાહમાં જોવા મળ્યા હતા.
સંશોધકોએ ખુલાસો કર્યો છે કે, એક વર્ષ બાદ કોવિશીલ્ડ રસીને કારણે લાંબા ગાળાની કોઈ આડઅસર જોવા મળી નથી.
ગાયત્રી ગોગોઈ, અભ્યાસના મુખ્ય તપાસકર્તા અને AMCH ખાતે પેથોલોજીના સહયોગી પ્રોફેસર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, “અમારા અભ્યાસમાં, અમને જાણવા મળ્યું છે કે 55% લોકોને તાવ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો અને ઈન્જેક્શન સાઇટ પર દુખાવો જેવી હળવી આડઅસરોનો અનુભવ થયો હતો 45% લોકોએ બીજા ડોઝ પછી કોઈ આડઅસરનો અનુભવ કર્યો ન હતો, અને સૌથી અગત્યનું, અભ્યાસના સમગ્ર એક વર્ષના સમયગાળા દરમિયાન કોઈ મોટી આડઅસર જોવા મળી નથી."
ગંભીર આડ અસરોને દુર્લભ, જીવન માટે જોખમી પરિસ્થિતિઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી જે લાંબા ગાળાની સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "વૃદ્ધ વ્યક્તિઓ કરતાં નાની વયની વ્યક્તિઓને વધુ હળવી આડઅસરો જોવા મળી હતી. એ નોંધવું પણ યોગ્ય છે કે જેમને પહેલાથી અસ્તિત્વમાં રહેલી બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યા હતી તેમની આડઅસર ઓછી હતી."
આ અભ્યાસ જુલાઈ 2021 માં શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે કોવિશિલ્ડ રસી પ્રથમ વખત લોકો માટે ઉપલબ્ધ થઈ હતી. જુન 2022 સુધી સહભાગીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું હતું. આ સંશોધનના તારણો તાજેતરમાં જર્નલ ઓફ ફેમિલી મેડિસિન એન્ડ પ્રાઈમરી કેરમાં પ્રકાશન માટે સ્વીકારવામાં આવ્યા છે, જે એક પ્રખ્યાત પબમેડ અનુક્રમિત જર્નલ છે.
બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ કેટલાક મોટા ખુલાસા કર્યા છે. કંપનીએ બ્રિટિશ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે કોવિડ -19 રસી કેટલાક કિસ્સાઓમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બની શકે છે. આ કારણે પ્લેટલેટ કાઉન્ટ પણ ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ વેક્સીન બનાવી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં તેનું ઉત્પાદન કર્યું છે. ભારતમાં તેને કોવિશિલ્ડ નામ આપવામાં આવ્યું હતું. ભારતમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ રસી આપવામાં આવી હતી. જો કે, એક સંશોધનમાં કોવિશિલ્ડને કોવેક્સિન કરતાં વધુ અસરકારક માનવામાં આવ્યું હતું, પરંતુ બ્રિટિશ મીડિયા અનુસાર, એસ્ટ્રાઝેનેકા વિરુદ્ધ લગભગ 51 સમાન કેસ ચાલી રહ્યા છે.