‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
Shubman Gill Press Conference: આવતીકાલે 11 જાન્યુઆરીથી શરૂ થતી ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝ પહેલા ગિલે મૌન તોડ્યું, પસંદગીકારોના નિર્ણયને માથે ચડાવ્યો.

Shubman Gill Press Conference: ભારતીય ક્રિકેટના આકાશમાં હાલમાં એક જ ચર્ચા ચાલી રહી છે, અને તે છે સ્ટાર બેટ્સમેન અને વન-ડે તથા ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) નું T20 World Cup 2026 ની ટીમમાંથી બહાર થવું. આગામી 7 ફેબ્રુઆરીથી શરૂ થતા ટી20 વિશ્વકપ માટે જ્યારે ભારતીય ટીમની જાહેરાત થઈ, ત્યારે ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટો આંચકો એ હતો કે તેમાં ગિલનું નામ નહોતું. જે ખેલાડી વન-ડે અને ટેસ્ટ ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, તેને ટી20ના સૌથી મોટા મંચ પરથી બાકાત રાખવામાં આવ્યો છે. આ આશ્ચર્યજનક નિર્ણય બાદ પ્રથમ વખત શુભમન ગિલે જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
આવતીકાલે એટલે કે 11 જાન્યુઆરીથી ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે વન-ડે શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મેચ પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ગિલને વર્લ્ડ કપ ટીમમાંથી પડતા મૂકવા અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે ખૂબ જ પરિપક્વતા અને દાર્શનિક અંદાજમાં જવાબ આપ્યો હતો. ગિલે કહ્યું, "મને લાગે છે કે હું જીવનમાં અત્યારે જે મુકામ પર છું, ત્યાં જ હોવો જોઈતો હતો. મારા નસીબમાં જે લખેલું છે, તે મારી પાસેથી કોઈ છીનવી શકે તેમ નથી. એક ખેલાડી તરીકે, તમને હંમેશા તમારી રમત પર વિશ્વાસ હોય છે અને તમારો ઉદ્દેશ્ય દેશને જીત અપાવવાનો હોય છે."
શુભમન ગિલે પસંદગીકારો પ્રત્યે કોઈપણ પ્રકારની નારાજગી વ્યક્ત કરવાને બદલે તેમના નિર્ણયનું સન્માન કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, "હું પસંદગી સમિતિના નિર્ણયનો આદર કરું છું અને તેને સ્વીકારું છું. હું આગામી ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે તેઓ ભારત માટે ટ્રોફી જીતીને લાવશે." ઉલ્લેખનીય છે કે ગિલ અગાઉ ટી20 ટીમનો વાઇસ કેપ્ટન હતો, પરંતુ હવે તે જવાબદારી ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) ને સોંપવામાં આવી છે.
ગિલના બહાર થવા પાછળનું મુખ્ય કારણ તેનું તાજેતરનું ફોર્મ માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટી20 શ્રેણીમાં ગિલનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તે ત્રણ ઇનિંગ્સમાં માત્ર 32 રન બનાવી શક્યો હતો અને એકવાર શૂન્ય પર આઉટ થયો હતો. બીજી તરફ, પાંચમી મેચમાં ગિલના સ્થાને રમેલા વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન (Sanju Samson) એ 22 બોલમાં 37 રન ફટકારીને પોતાની દાવેદારી મજબૂત કરી હતી. ક્રિકેટ પંડિતોનું માનવું છે કે વર્લ્ડ કપમાં હવે અભિષેક શર્મા સાથે સંજુ સેમસન ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. હાલમાં ગિલનું સંપૂર્ણ ધ્યાન આવતીકાલથી શરૂ થતી ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝ પર કેન્દ્રિત છે, જેમાં તે ટીમ ઈન્ડિયાની કપ્તાની કરશે.




















