સંયોગ કે બીજું કંઈક ? 2 દૂર્ઘટના, 2 દેશોના મુસાફરો અને સીટ નંબર-11A… અમદાવાદ અને થાઈલેન્ડ વિમાન ક્રેશની આશ્ચર્યજનક કહાણી
Ahmedabad Plane Crash: જેમ્સે પોતાના ફેસબુક પર લખ્યું, "ભારતમાં વિમાન દૂર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર વ્યક્તિ પણ મારી જેમ સીટ 11A પર બેઠો હતો

Ahmedabad Plane Crash: આ સમયે સમગ્ર વિશ્વમાં એક આઘાતજનક અને રહસ્યમય સંયોગની ચર્ચા થઈ રહી છે. લગભગ 27 વર્ષના તફાવત સાથે બે અલગ અલગ દેશોમાં થયેલા બે વિમાન અકસ્માતોમાં, એક જ સીટ (11A) પર બેઠેલા બે લોકો મૃત્યુથી બચી ગયા. એક અકસ્માત 1998 માં થાઇલેન્ડમાં અને બીજો 2025 માં ભારતના અમદાવાદમાં થયો હતો.
1998 માં થાઈ એરવેઝની ફ્લાઇટ TG261 સુરથાની એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે અકસ્માતનો ભોગ બની હતી. વિમાનમાં 146 લોકો સવાર હતા, જેમાંથી 101 લોકોના મોત થયા હતા. આ ભયંકર અકસ્માતમાં બચી ગયેલા લોકોમાં જેમ્સ રુઆંગસાક લોયચુસાક હતા, જે તે સમયે 20 વર્ષીય થાઈ અભિનેતા અને સંગીતકાર હતા. તેમની સીટ પણ 11A હતી.
જેમ્સે પોતાના ફેસબુક પર લખ્યું, "ભારતમાં વિમાન દૂર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર વ્યક્તિ પણ મારી જેમ સીટ 11A પર બેઠો હતો. આ વાંચીને મારા રૂંવાટી ઉભી થઈ ગઈ." તે અકસ્માતમાં બચી ગયો, પરંતુ તેની માનસિક અસર તેના જીવન પર લાંબા સમય સુધી રહી.
જેમ્સ 10 વર્ષ સુધી ઉડાન ભરવાથી ડરતો હતો
તેમણે કહ્યું કે અકસ્માત પછી તેમને 10 વર્ષ સુધી ઉડાન ભરવાથી ડર લાગતો હતો. જો કોઈ ફ્લાઇટમાં બારી બંધ કરી દે તો તેમને અસ્વસ્થતા અનુભવાતી. તેઓ હંમેશા બહાર આકાશ તરફ જોતા જેથી તેઓ સુરક્ષિત અનુભવી શકે. તેમણે મેઇલઓનલાઇનને કહ્યું, "મેં કોઈની સાથે વાત નહોતી કરી. જો મેં બહાર કાળા વાદળો કે તોફાન જોયું, તો મને એવું લાગતું હતું કે હું નરકમાં છું."
27 વર્ષ પછી જોવા મળેલો અદ્ભુત સંયોગ
27 વર્ષ પછી, ગુરુવારે ભારતના અમદાવાદમાં આવો જ બીજો વિમાન દુર્ઘટના બની. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, જે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતી, અમદાવાદ એરપોર્ટથી લંડન ગેટવિક માટે ઉડાન ભર્યાના માત્ર 33 સેકન્ડ પછી ક્રેશ થઈ ગઈ. વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું. આ અકસ્માતમાં 241 લોકોનાં મોત થયાં, પરંતુ એક વ્યક્તિ આ વિનાશમાંથી ચમત્કારિક રીતે બચી ગયો, જેનું નામ વિશ્વાસ કુમાર રમેશ છે. તેનો સીટ નંબર પણ જેમ્સની સીટ - 11એ જેવો જ હતો. આ રહસ્યમય સંયોગે સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. લોકો તેને ભાગ્યનો ચમત્કાર માની રહ્યા છે.





















