મોતને મ્હાત! અમદાવાદ પ્લેન ક્રેશમાં સીટ 11Aનો ચમત્કાર: જુઓ જીવતા બચેલા વિશ્વાસ કુમારનો નવો વીડિયો
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો નવો વીડિયો વાયરલ; 263 લોકોના મૃત્યુ વચ્ચે વિશ્વાસ કુમાર રમેશનો આબાદ બચાવ 'જાકો રાખે સૈયા, માર સકે ના કોઈ' કહેવતને સાર્થક કરે છે.

Air India crash survivor video: 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક બોઇંગ 171 ડ્રીમલાઇનર 787 વિમાન દુર્ઘટનામાં એકમાત્ર જીવતા બચેલા મુસાફર વિશ્વાસ કુમાર રમેશનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે જોઈને કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે. આ વીડિયો વિશ્વાસ કુમાર રમેશને ક્રેશ સ્થળ પરથી આગ અને ધુમાડા વચ્ચેથી બહાર આવતા સ્પષ્ટપણે દર્શાવે છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે, ત્યારે વિશ્વાસ કુમાર રમેશનો આ આબાદ બચાવ 'ચમત્કાર'નો પર્યાય બની ગયો છે.
ભયાનક દુર્ઘટના અને ચમત્કારિક બચાવ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક-ઓફના થોડા જ સેકન્ડોમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર અન્ય 263 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનું કરુણ મૃત્યુ થયું હતું. જોકે, સીટ નંબર 11A પર બેઠેલા વિશ્વાસ કુમાર રમેશ આ ભયાનક અકસ્માતમાંથી જીવતા બહાર આવ્યા, જે ખરેખર એક ચમત્કારથી ઓછું નથી.
વાયરલ થયેલા વીડિયોમાં અકસ્માતની ભયાનકતા અને ઘટનાસ્થળે હાજર લોકોની ચીસો સ્પષ્ટપણે સંભળાય છે. આ વીડિયો સાગર પટોલિયા નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિશ્વાસ કુમાર રમેશ વિમાનના કાટમાળ અને ભીષણ આગ તેમજ ધુમાડા વચ્ચેથી હિંમતપૂર્વક બહાર આવી રહ્યા છે. ત્યાં હાજર લોકો તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તરત જ તેમને પોતાની સાથે સુરક્ષિત સ્થળે લઈ જાય છે.
અવિશ્વસનીય પરંતુ સત્ય!
— Sagar Patoliya (@kathiyawadiii) June 16, 2025
અમદાવાદ પ્લેન ક્રેશમાં ચમત્કારિક રીતે બચેલા રમેશ વિશ્વાસનો વધુ એક વિડિઓ સામે આવ્યો.
દુર્ઘટના થયા પછી હાથમાં ફોન સાથે ચાલીને બહાર નીકળ્યો રમેશ વિશ્વાસ. #AhmedabadPlaneCrash pic.twitter.com/94WDepkKjn
વિશ્વાસ કુમાર રમેશના શબ્દોમાં દુર્ઘટનાનો અનુભવ
વિશ્વાસ કુમાર રમેશે પોતે આ ઘટનાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, તેમને બચવાની કોઈ આશા નહોતી. તેમણે કહ્યું, "મને લાગતું હતું કે હું મરી જઈશ." વિમાન ઉડાન ભર્યા પછી અચાનક બંધ થઈ ગયું અને અંદરની લાઇટ્સ ચાલુ થવા લાગી. તેમણે આંખો ખોલી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ જીવિત છે. તેમની સીટ 11A ઇમરજન્સી એક્ઝિટની નજીક હોવાને કારણે તેમને બહાર નીકળવાની તક મળી હોઈ શકે છે.




















