Google Maps ની વધુ એક ગરબડી, મેપ જોઇને આસામ જઇ રહેલી પોલીસ પહોંચી ગઇ નાગાલેન્ડ, ને પછી...
Tech News: આસામના જોરહાટ જિલ્લાની પોલીસ એક આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી હતી. આ ટીમમાં કુલ ૧૬ પોલીસકર્મીઓ હતા
Tech News: ટેક જાયન્ટ્સ ગૂગલની ગૂગલ મેપ્સ સર્વિસમાં વધુ એક ગરબડી ભારતમાં જોવા મળી છે. ગૂગલ મેપ્સમાં એક ખામીએ આસામ પોલીસને મુશ્કેલીમાં મૂકી દીધી છે. આ ડિસ્ટર્બન્સના કારણે આસામ પોલીસ નાગાલેન્ડ પહોંચી ગઇ, જ્યાં લોકોએ રાતોરાત પોલીસ ટીમને બંધક બનાવી રાખી. મુશ્કેલીમાં મુકાયેલી ટીમે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કર્યો, ત્યારબાદ જ લોકોએ તેમને છોડી મૂક્યા. આસામ પોલીસના એક અધિકારીએ આ માહિતી આપી છે. ચાલો જાણીએ કે ગૂગલ મેપ્સના કારણે આસામ પોલીસ રાજ્યની સરહદની બહાર કેવી રીતે ગઈ.
કઇ રીતે ઘટી ઘટના ?
આસામના જોરહાટ જિલ્લાની પોલીસ એક આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી હતી. આ ટીમમાં કુલ ૧૬ પોલીસકર્મીઓ હતા, જેમાંથી ફક્ત ૩ જ યૂનિફોર્મમાં હતા, જ્યારે બાકીના સિવિલ ડ્રેસ પહેરેલા હતા. રાત્રે પોલીસ ગૂગલ મેપ્સ પર બતાવેલા રૂટને ફોલો કરી રહી હતી. ચાલતા ચાલતા તેઓ આસામની સરહદ પાર કરીને નાગાલેન્ડની સરહદમાં પ્રવેશ્યા. ગૂગલ મેપ્સ આસામની અંદર સ્થિત ચાના બગીચા બતાવી રહ્યું હતું, જોકે તે નાગાલેન્ડમાં હતું.
સ્થાનિક લોકો સમજ્યા બદમાશો છે -
પોલીસ ટીમ પાસે ઘણા અત્યાધુનિક શસ્ત્રો પણ હતા. જ્યારે તેઓ રાત્રિના અંધારામાં નાગાલેન્ડ પહોંચ્યા, ત્યારે ત્યાંના લોકોને શંકા ગઈ. હથિયારો જોઈને તેઓએ પોલીસકર્મીઓને ગુનેગારો સમજી લીધા અને તેમને બંધક બનાવી લીધા. પોલીસકર્મીઓ તેમને ટાળવાનો પ્રયાસ કરતા રહ્યા. આ દરમિયાન સ્થાનિક લોકોના હૂમલામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. આ પછી તેઓએ આખી રાત ટીમને બંધક બનાવી રાખી.
સ્થાનિક અધિકારીઓ આવ્યા પછી છોડ્યા -
મુશ્કેલીમાં મુકાઈ ગયેલા પોલીસકર્મીઓએ નાગાલેન્ડના સ્થાનિક પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો. તેમણે અધિકારીઓને ઘટનાની સંપૂર્ણ વિગતો આપી. આ પછી સ્થાનિક અધિકારીઓએ બીજી પોલીસ ટીમ ઘટનાસ્થળે મોકલી. જ્યારે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને મામલો સમજાવ્યો, ત્યારે તેમણે આસામ પોલીસની ટીમને છોડી દીધી. આ પછી ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
આ પણ વાંચો
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે મળશે કેશલેસ સારવાર