'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
કોર્ટે આ કેસમાં આરોપીની માતા અને ભાઈને પણ સમાન રીતે દોષિત ઠેરવ્યા છે.

MP High Court On Bhopal Rape Case: મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભોપાલ બળાત્કાર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે મહિલા બળાત્કાર કરી શકતી નથી, પરંતુ તે બળાત્કાર માટે ઉશ્કેરણી કરવા બદલ દોષિત હોઈ શકે છે. આ નિર્ણય હેઠળ આરોપી મહિલા વિરુદ્ધ કલમ 376 r/w 34, 109 અને 506-11 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે આ કેસમાં આરોપીની માતા અને ભાઈને પણ સમાન રીતે દોષિત ઠેરવ્યા છે.
શું છે આખો મામલો?
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરોપીઓએ ભોપાલ સેશન્સ કોર્ટ દ્વારા 22 ઓગસ્ટ 2023ના રોજ આપવામાં આવેલા આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ભોપાલની નીચલી કોર્ટે મુખ્ય આરોપીને દોષિત ઠેરવવાની સાથે તેની માતા અને ભાઈને પણ સહ-આરોપી બનાવ્યા હતા.
પીડિતાનો આરોપ
21, ઓગસ્ટ, 2022ના રોજ પીડિતાએ ભોપાલના છોલા મંદિર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેણીએ આરોપ લગાવ્યો હતો કે આરોપી અભિષેક ગુપ્તાએ લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં, આરોપીની માતા અને ભાઈ પણ આ ઘટનામાં સામેલ હતા.
પીડિતાના જણાવ્યા મુજબ, 8 જુલાઈ, 2021ના રોજ તેણીને પહેલી વાર આરોપીના ઘરે બોલાવવામાં આવી હતી, જ્યાં તેણી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સગાઈ પછી પણ આરોપીએ ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા અને પછી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીની માતાએ તેને સમજાવ્યું હતું કે લગ્ન પહેલાં સંબંધ બાંધવો સામાન્ય છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટનું વલણ
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બળાત્કાર માટે ઉશ્કેરણી કરનારાઓ પણ મુખ્ય આરોપી જેટલા જ દોષિત છે. આ આધારે આરોપીની માતા અને ભાઈ સામે પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને સ્પષ્ટ કર્યું કે બળાત્કારના કેસોમાં ઉશ્કેરણી કરનારાઓને પણ કડક સજા આપવામાં આવશે.
(અમરજીત ખરેનો રિપોર્ટ)




















