National Herald Case: આવતીકાલે ED ફરી રાહુલ ગાંધીની પૂછપરછ કરશે, કોંગ્રેસે મોટા પ્રદર્શનની તૈયારી કરી
National Herald Money Laundering case : અત્યાર સુધી આ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની લગભગ 30 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે.
National Herald Case: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આવતીકાલે 20 જૂને ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સામે હાજર થવાના છે. સોમવારે યોજાનારી આ પૂછપરછ સામે કોંગ્રેસ (Congress) ફરી એકવાર મોટા પ્રદર્શનની તૈયારી કરી રહી છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો દિલ્હી આવી રહ્યા છે. તેમાંથી ઘણાએ પાર્ટી ઓફિસ પર ભેગા થવાનું શરૂ કર્યું છે અને ત્યાં રાત વિતાવવાની યોજના બનાવી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસ (National Herald Money Laundering case)માં પૂછપરછ માટે સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવાની મંજૂરી માંગી હતી.
આવતીકાલે ED સમક્ષ હાજર થશે રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતાએ ગુરુવારે EDને પત્ર લખીને સુનાવણી મોકૂફ રાખવાનું કારણ તેમની માતા સોનિયા ગાંધીની તબિયતને ટાંક્યું હતું. ઈડીએ તેમના પત્રના થોડા કલાકો પછી કોંગ્રેસના નેતાની વિનંતી સ્વીકારી હતી અને તેમને 20 જૂને હાજર થવા કહ્યું હતું. કોવિડ બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીની તબિયત સ્થિર છે, પરંતુ તેઓ થોડા દિવસ હોસ્પિટલમાં રહેશે.
કોંગ્રેસે કેન્દ્ર પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો
આ પહેલા બુધવારે સતત ત્રીજા દિવસે આઠ કલાકની પૂછપરછ બાદ, રાહુલ ગાંધીને 17 જૂને ચોથી વખત ફરીથી ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું. જે બાદ રાહુલ ગાંધીની વિનંતી પર પૂછપરછની તારીખ બદલીને 20 જૂન કરવામાં આવી હતી. નેશનલ હેરાલ્ડ કેસ કોંગ્રેસ દ્વારા પ્રમોટ કરાયેલ યંગ ઈન્ડિયનમાં કથિત નાણાકીય અનિયમિતતાઓને લગતો છે. કોંગ્રેસે વિપક્ષી નેતાઓ સામે કેન્દ્ર દ્વારા EDની કાર્યવાહીને બદલાની રાજનીતિ ગણાવી છે.
અત્યાર સુધી લગભગ 30 કલાક સુધી પૂછપરછ થઇ
અત્યાર સુધી આ મામલામાં ED દ્વારા રાહુલ ગાંધીની લગભગ 30 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ આ સમયગાળા દરમિયાન ED ઓફિસ તરફ જતા રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. જે બાદ ઘણા નેતાઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.