(Source: ECI/ABP News/ABP Majha)
કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ 10 લાખ પદ ખાલી, સરકારે સંસદમાં આપી જાણકારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર હેઠળના વિભાગોમાં આગામી 18 મહિનામાં 10 લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર હેઠળના વિભાગોમાં આગામી 18 મહિનામાં 10 લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરી હતી. આ માટે તમામ મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રીય એજન્સીઓને ભરતી કરવાની સૂચના આપવામાં આવી હતી. બુધવારે સંસદમાં સરકારે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં હાલમાં 10 લાખ પદો ખાલી છે.
કેન્દ્ર સરકારે સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 1 માર્ચ, 2021 સુધીમાં કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં 40.35 લાખ મંજૂર પોસ્ટની સામે માત્ર 30.55 લાખ કર્મચારીઓ હતા, જે લગભગ 9.8 લાખ કર્મચારીઓની અછત દર્શાવે છે.
આ માટે સરકારે 2016ના આંકડા પણ રજૂ કર્યા જ્યારે 1 માર્ચ 2016 સુધીમાં 36.3 લાખ મંજૂર પોસ્ટ હતી જ્યારે 32.2 લાખ સરકારી કર્મચારીઓ પોસ્ટ પર હતા. આ દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારમાં મંજૂર પોસ્ટ્સમાં લગભગ 11%નો વધારો થયો છે. તેના બદલે કર્મચારીઓની સંખ્યામાં 5% થી વધુ ઘટાડો થયો છે.
આ વિભાગોમાં ઘણી જગ્યાઓ ખાલી
પીએમ મોદીએ 14 જૂને જાહેરાત કરી હતી કે આગામી 18 મહિનામાં કેન્દ્ર સરકારમાં 10 લાખ લોકોને નોકરી આપવામાં આવશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વિપક્ષ દેશમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહ્યો હતો. PMOએ ટ્વીટ કર્યું હતું કે પીએમએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યો હતો કે સરકારે આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવી જોઈએ.
બુધવારે સંસદમાં આપવામાં આવેલા તાજેતરના સરકારી ડેટા અનુસાર, રેલ્વે મંત્રાલયમાં 2.94 લાખ, સંરક્ષણ (નાગરિક) વિભાગમાં 2.64 લાખ, ગૃહ મંત્રાલયમાં 1.4 લાખ, પોસ્ટ વિભાગમાં લગભગ 90,000 અને મહેસૂલ વિભાગમાં લગભગ 80,000 જગ્યાઓ ખાલી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂનમાં વડાપ્રધાન કાર્યાલયે એક ટ્વીટમાં માહિતી આપી હતી કે, 'PM મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યો કે સરકાર આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ કર્મચારીઓને રોજગારી અપાશે.