New Parliament : નવી સંસદના ઉદ્ઘાટનને લઈ વિપક્ષો પર બરાબરના વરસ્યા PM મોદી
પીએમ મોદીએ નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ રાજસ્થાનના અજમેરમાં જનસભાને સંબોધિત કરતી વખતે આ પ્રહારો કર્યા હતા.
PM Modi On New Parliament Inauguration: PM મોદીએ આજે કોંગ્રેસને બરાબરની આડેહાથ લીધી હતી. પીએમ મોદીએ નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ રાજસ્થાનના અજમેરમાં જનસભાને સંબોધિત કરતી વખતે આ પ્રહારો કર્યા હતા.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ગત રવિવારે ભારતને નવી સંસદ ભવન મળ્યું, પરંતુ કોંગ્રેસે પોતાના સ્વાર્થી વિરોધ માટે ભારતના ગૌરવની આ ક્ષણની બલિ ચડાવી દીધી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે પોતાના સ્વાર્થ માટે નવી સંસદનો વિરોધ કર્યો જેથી કરીને દેશને દુનિયાભરમાં બદનામ કરી શકાય. કોંગ્રેસને એ વાતની તકલીફ છે કે, એક ગરીબ પરિવારનો દિકરો કેવી રીતે દેશને આગળ વધારી રહ્યો છે. કોંગ્રેસ અને તેના અન્ય સાથી પક્ષોએ 60,000 શ્રમિકોની મહેનત, દેશની ભાવનાઓ અને આકાંક્ષાઓનું અપમાન કર્યું છે.
PM મોદીએ બીજું શું કહ્યું?
વડાપ્રધાને કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહારો યથાવત રાખતા કહ્યું હતું કે, તેમને એ વાતનો ગુસ્સે છે કે એક ગરીબનો દિકરો તેના ઘમંડ સામે કેમ અડગ છે. તેને એ વાતને લઈને પણ ગુસ્સે છે કે, આ ગરીબનો પુત્ર તેમની મનમાની કેમ નથી ચાલવા દેતો. તેના ભ્રષ્ટાચાર અને પરિવાર પર શા માટે સવાલ ઉભા કરી રહ્યો છે?.
વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો કર્યો હતો બહિષ્કાર
નોંધનીય છે કે, પીએમ મોદીએ 28મી મે, રવિવારે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. તેમની માંગ હતી કે, નવી સંસદનું ઉદ્ઘાટન પીએમ મોદીના બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે.
PMનો કોંગ્રેસ પર જોરદાર પ્રહાર
કોંગ્રેસ પર પ્રહારો યથાવત રાખતા પીએમએ કહ્યું હતું કે, જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેઓ દેશની સરહદોમાં રોડ બનાવતા પણ ડરતા હતા, પરંતુ અમારી સરકારે ભારતની સરહદને રોડ કનેક્ટિવિટી સાથે જોડવાનું કામ કર્યું છે. કોંગ્રેસ સરકાર રિમોટ કંટ્રોલની સરકાર હતી, જેનું રિમોટ કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે રહેતું હતું. આમ પીએમ મોદીએ આડકતરી રીતે ગાંધી પરિવાર પર આકરો પ્રહાર કર્યો હતો.
PM Modi Rajasthan : ગેહલોત-પાયલટના ડખા પર PM મોદીના વેધક સવાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. અહીં અજમેરમાં જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરીક ખટપટ પર કટાક્ષ કર્યો હતો. PMએ કહ્યું હતું કે, લોકોએ 2014માં કેન્દ્રમાં સ્થિર સરકાર બનાવી. ભાજપે તમારા દરેક આદેશનું સન્માન કર્યું, પરંતુ તમે પાંચ વર્ષ પહેલા રાજસ્થાનમાં પણ જનાદેશ આપ્યો હતો. બદલામાં તમને શું મળ્યું? અસ્થિરતા અને અરાજકતા. અહીં પાંચ વર્ષથી ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ એકબીજા સામે લડવામાં જ વ્યસ્ત છે. કોંગ્રેસે પણ પીએમ મોદી પર વળતો પ્રહાર કર્યો હતો.