(Source: ECI/ABP News/ABP Majha)
ઓડિશામાં દૂષિત પાણી પીવાથી છ લોકોના મોત, 70 લોકો હોસ્પિટલમાં ભરતી
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં કાશીપુર બ્લોકના અલગ-અલગ ગામોમાંથી મોતના સમાચાર આવ્યા છે
ઓડિશાના રાયગડા જિલ્લામાં દૂષિત પાણી પીવાથી છ લોકોના મોત થયા છે જ્યારે 71 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ડાયરિયા થયાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દૂષિત પાણી પીધા બાદ લોકોને ડાયરિયા અને ઉલ્ટી થવા લાગી હતી. નવીન પટનાયકની સરકારે આ મામલે આરોગ્ય અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ આ ઘટનાને લઈને વિધાનસભામાં વિરોધ થયો હતો. કોંગ્રેસે આ મુદ્દે મુખ્યમંત્રી નવીન પટનાયકના નિવેદનની માંગ કરી છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં કાશીપુર બ્લોકના અલગ-અલગ ગામોમાંથી મોતના સમાચાર આવ્યા છે. તેમણે કહ્યું કે 11 ડોક્ટરોની ટીમે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી. આ દરમિયાન બીમાર દર્દીઓ જ્યાંથી પાણી પીધુ હતું તે અને લોહીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાણીજન્ય રોગ પહેલા મલીગુડા ગામમાં અને બાદમાં દુદુકાબહલ, ટિકીરી, ગોબરીઘાટી, રૌતઘાટી અને જલાખુરા ગામોમાં ફેલાયો હતો. તેમણે કહ્યું કે ડાંગસિલ, રેંગા, હાડીગુડા, મૈકાંચ, સંકરદા અને કુચિપદાર ગામમાં અન્ય ઘણા લોકો પણ ડાયરિયાથી પીડિત છે અને તેમની ઘરે સારવાર કરવામાં આવી રહી છે.
બીમારોની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે
ખુલ્લા સ્ત્રોતમાંથી પાણી પીધા બાદ હોસ્પિટલમાં દાખલ થયેલા 71 લોકોમાંથી 46ને ટિકીરી પબ્લિક હેલ્થ સેન્ટર (PHC), 14ને કાશીપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અને 11 છોકરીઓને થાતીબાર PHCમાં આવેલી આશ્રમ શાળામાં સારવાર આપવામાં આવી રહી છે. એક દર્દીની તબિયત બગડતાં તેને કોરાપુટની SLN મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો.
રાયગડા જિલ્લા કલેક્ટર સ્વધા દેવ સિંહે સીડીએમઓ ડૉ.લાલમોહન રાઉતરે સાથે મેડિકલ સેન્ટરોની મુલાકાત લીધી હતી. તેમણે શનિવારે જણાવ્યું હતું કે, "અમે હજુ સુધી ડાયરિયાના કારણે મૃત્યુની પુષ્ટી કરી નથી, અમે ડાયરિયાના કેસ નોંધાયા પછી પાણીજન્ય રોગોની સારવાર શરૂ કરી છે."
કલેક્ટર સિંઘે જણાવ્યું હતું કે રોગના વધુ ફેલાવાને રોકવા માટે દૂષિત પાણીના સ્ત્રોતોને જંતુમુક્ત કરવામાં આવી રહ્યા છે. સીડીએમઓએ કહ્યું કે મલીગુડામાં ખુલ્લા કૂવામાં પાણી દૂષિત જોવા મળ્યું છે અને સંબંધિત અધિકારીઓને ગ્રામજનો માટે પાણીના વૈકલ્પિક સ્ત્રોતની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.
ભાજપ-કોંગ્રેસે વિધાનસભામાં નવીન પટનાયક સરકારને ઘેરી
બીજી તરફ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે અનાજના અભાવે મૃતકને જંગલી ફળો ખાવાથી ઝાડા થવાની શક્યતા છે. કોંગ્રેસ વિધાયક દળના નેતા નરસિંહ મિશ્રાએ આરોપ લગાવ્યો કે નવીન પટનાયક સરકાર ગરીબોને પીડીએસ ચોખા આપવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે લોકો જંગલી ફળ ખાવા માટે મજબૂર બન્યા છે.