બિન-ભાજપ સરકાર ધરાવતું આ રાજ્ય લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવનારું પહેલું રાજ્ય બન્યું, જાણો વિગત
દેશભરમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધતી જાય છે ત્યારે કેન્દ્ર સરકારે લોકડાઉન વધારવાની ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધતી જાય છે ત્યારે કેન્દ્ર સરકારે લોકડાઉન વધારવાની ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે. નરેન્દ્ર મોદી તરફથી મળેલા સંકેત જોતાં મોદી સરકાર લોકડાઉન વધારશે એ નક્કી છે ત્યારે ઓડિશામાં તો લોકડાઉન વધારીને 30 એપ્રિલ સુધી કરવાની જાહેરાત કરી દેવાઈ છે.
બીજાં રાજ્યો હજુ કેન્દ્ર સરકારના નિર્ણયની રાહ જોઈને બેઠાં છે ત્યારે ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાઈકે રાજ્યનાં લોકોના હિતમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત પણ કરી નાંખી. દેશમાં લોકડાઉન લંબાવવાની જાહેરાત કરનારું ઓડિશા પહેલું રાજ્ય બન્યું છે.
મોદીએ વિરોધ પક્ષના નેતાઓ સાથેની બેઠકમાં બુધવારે લોકડાઉન લંબાવવાનો સંકેત આપી દીધો હતો. મોદીએ લોકોને પણ આકરા નિર્ણય માટે તૈયાર રહેવા કહ્યું હતું. તેના કારણે લોકડાઉ લંબાવાશે એ સ્પષ્ટ છે પણ ક્યાં સુધી લંબાવાશે તે નક્કી નથી. મોટા બાગે મોદી સરકાર 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવશે પણ ઓડિશાએ પહેલ કરીને લોકડાઉન લંબાવી દીધો છે. દરમિયાનમાં શાળા-કોલેજો, શોપિંગ મૉલ, ધાર્મિક કાર્યક્રમો 15 મે સુધી બંધ રાખવાનો નરેન્દ્ર મોદી સરકાર નિર્ણય લઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ અંગેની સત્તાવાર જાહેરાત એક-બે દિવસમાં કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ 19ને લગતી બાબતો પર નજર રાખવા રચાયેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) દ્વારા શાળા-કોલેજ, શોપિંગ મૉલ અને ધાર્મિક કાર્યક્રમો પર 15 મે સુધી પ્રતિબંધ મૂકવાની ભલામણ કરાઈ છે. મોદી સરકારે આ ભલામણ સ્વીકારી હોવાનું સૂત્રો જણાવે છે.