કર્ણાટકમાં નહીં ચાલે Ola, Uber અને Rapido ની બાઈક-ટેક્સી, જાણો કારણ
કર્ણાટક હાઈકોર્ટે બુધવારે એપ આધારિત ટેક્સી સેવાઓ પૂરી પાડતી કંપનીઓને રાજ્યમાં બાઇક-ટેક્સી સેવાઓ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કર્ણાટક હાઈકોર્ટે બુધવારે એપ આધારિત ટેક્સી સેવાઓ પૂરી પાડતી કંપનીઓને રાજ્યમાં બાઇક-ટેક્સી સેવાઓ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ કંપનીઓ 6 અઠવાડિયાની અંદર તેમની સેવાઓ બંધ કરી દે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી રાજ્ય સરકાર મોટર વાહન અધિનિયમ હેઠળ યોગ્ય માર્ગદર્શિકા જાહેર નહીં કરે ત્યાં સુધી બાઇક-ટેક્સી ચલાવી શકાશે નહીં.
જસ્ટિસ બીએમ શ્યામ પ્રસાદની સિંગલ બેંચે રાજ્ય સરકારને નિર્ધારિત સમયની અંદર બાઇક-ટેક્સીઓનું સંચાલન બંધ થાય તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કંપનીઓએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો
હકીકતમાં, ઓલા, ઉબેર અને રેપિડો જેવી બાઇક ટેક્સી સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કંપનીઓએ કોર્ટ પાસે માગણી કરી હતી કે તેણે રાજ્ય સરકારને બાઇક-ટેક્સી ચલાવવા માટે નીતિ તૈયાર કરવાનો નિર્દેશ આપવો જોઈએ. અરજીઓમાં, કંપનીઓએ એગ્રીગેટર લાઇસન્સ જારી કરવાની અને પરિવહન સેવા તરીકે બાઇક-ટેક્સીની નોંધણીની માંગ કરી હતી. હવે હાઈકોર્ટે બાઇક-ટેક્સી ઓપરેટરોને 6 સપ્તાહમાં કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને આ સંદર્ભે માર્ગદર્શિકા તૈયાર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ શ્યામ પ્રસાદે સ્પષ્ટતા કરી હતી કે કોર્ટ રાજ્ય સરકારને નિયમો બનાવવા માટે નિર્દેશ આપી શકે નહીં. તેમજ કોર્ટ ટ્રાન્સપોર્ટ વાહનો તરીકે નોન-ટ્રાન્સપોર્ટ વાહનોની નોંધણીનો આદેશ આપી શકે નહીં.
આ કેસ 2021થી ચાલી રહ્યો છે
કર્ણાટક સરકારે 14 જુલાઇ 2021ના રોજ બાઇક ટેક્સી સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો. ટેક્સી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ તેની સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ પછી, કોર્ટે સરકારને આ પ્લેટફોર્મ્સ પર કાર્યવાહી કરતા અસ્થાયી રૂપે રોકી દીધી. કોર્ટે આપેલી આ રાહત આજ સુધી ચાલુ છે, જેના કારણે રેપિડો બાઇક ટેક્સીઓનું સંચાલન ચાલુ રાખે છે.
ન્યાયાધીશ બી.એમ. શ્યામ પ્રસાદ દ્વારા આપવામાં આવેલા આ નિર્ણયમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ યોગ્ય નિયમનો ઘડે નહીં ત્યાં સુધી આ સેવાઓ બંધ કરવી જોઈએ. કોર્ટે આ નિયમનકારી માળખાના વિકાસને સરળ બનાવવા માટે છ સપ્તાહનો સમયગાળો આપ્યો છે.





















