NCPમાં ઘમાસાણ વચ્ચે બેંગલુરુમાં વિપક્ષની બેઠક મોકૂફ, હવે આ તારીખે યોજાશે બેઠક
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સહિત 15 થી વધુ વિપક્ષી દળોએ 23 જૂને પટનામાં એક બેઠક યોજી હતી
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીમાં ભાગલા પડ્યા બાદ બેંગલુરુમાં યોજાનારી વિપક્ષની બીજી બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે બેંગલુરુમાં યોજાનારી વિપક્ષની આગામી બેઠક હવે 17-18 જુલાઈના રોજ યોજાશે. નોંધનીય છે કે વિપક્ષની મહાબેઠક 13-14 જૂલાઇના રોજ બેંગલુરુમાં યોજાવાની હતી પરંતુ એનસીપીમાં ભાગલા પડ્યા બાદ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
After a hugely successful All-Opposition meeting in Patna, we will be holding the next meeting in Bengaluru on 17 and 18 July, 2023.
— K C Venugopal (@kcvenugopalmp) July 3, 2023
We are steadfast in our unwavering resolve to defeat the fascist and undemocratic forces and present a bold vision to take the country forward.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિપક્ષની એકતાને વેગ આપવા માટે 17 અને 18 જુલાઈના રોજ બેંગલુરુમાં મુખ્ય વિરોધ પક્ષોની આગામી બેઠક યોજાશે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ માહિતી આપી હતી.
તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે પટનામાં વિપક્ષની સફળ બેઠક બાદ અમે 17 અને 18 જૂલાઈએ બેંગલુરુમાં આગામી બેઠક યોજીશું. અમે ફાસીવાદી અને અલોકતાંત્રિક શક્તિઓને હરાવવાના અમારા સંકલ્પમાં મક્કમ છીએ અને દેશને આગળ લઈ જવાનું વિઝન રજૂ કરીશું.
જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસુ સત્ર દરમિયાન બિહાર વિધાનસભા અને કર્ણાટક વિધાનસભાની બેઠકને કારણે વિપક્ષની આ બેઠક સ્થગિત કરવામાં આવી છે. બિહાર વિધાનસભાનું 14મું સત્ર 10 થી 24 જુલાઈ સુધી ચાલવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, JDU કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે બેઠક સ્થગિત કરવાની વિનંતી કરી હતી, કારણ કે નીતિશ અને તેજસ્વી વિધાનસભા સત્રમાં વ્યસ્ત રહેશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સહિત 15 થી વધુ વિપક્ષી દળોએ 23 જૂને પટનામાં એક બેઠક યોજી હતી, જેમાં તેઓએ ભાજપ સામે એક થઈને ચૂંટણી લડવા અને આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી અને પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપને સત્તા પરથી હટાવવા અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ તમામ નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજી હતી. જેમાં તમામ નેતાઓએ કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં એકતા પર સહમતિ સધાઈ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે બધાએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.