Pahalgam Terror Attack: પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં ટ્રેકિંગ એક્ટિવિટી સ્થગિત, ઘાટીમાં પ્રવાસીઓના આવવા-જવા પર રોક
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં ટ્રેકિંગ એક્ટિવિટી આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં ટ્રેકિંગ એક્ટિવિટી આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ચંદનવારી, અરુ, બેતાબ વેલી અને બૈસરન ખીણ સહિત પહેલગામના ઉપરના વિસ્તારોમાં સ્થાનિક સત્તાવાળાઓએ પ્રવાસીઓ અને ટ્રેકર્સની અવરજવર પહેલાથી જ બંધ કરી દીધી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પહલગામના તમામ ઉપલા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની પ્રવાસી પ્રવૃત્તિ, ટ્રેકિંગ પર હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ માટે આવે છે. જેના કારણે આ વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી હતી. ઉનાળાની ઋતુમાં ભીડ વધે છે, કારણ કે તે સમયે બરફ પીગળી જાય છે અને ટ્રેકિંગના માર્ગો ખુલી જાય છે. હવે આ અચાનક પ્રતિબંધ માત્ર ટ્રેકિંગ પ્રેમીઓ માટે આંચકો નથી પરંતુ સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ માટે પણ પડકારજનક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ગાઈડ, કુલીઓ, હોમસ્ટેના માલિકો અને દુકાનદારો કે જેઓ મુખ્યત્વે ટ્રેકિંગ સીઝન પર નિર્ભર છે તેઓને પણ આ નિર્ણયની આર્થિક અસરનો સામનો કરવો પડી શકે છે. હાલ તો પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી બંધ રહેશે.
સુરક્ષા માટે લેવામાં આવેલ પગલાં
22 એપ્રિલે પહેલગામ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF અને સેનાએ સંયુક્ત રીતે સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં વધારાનું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ડ્રોન દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી ટ્રેકિંગ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે.
ટ્રેકિંગ પરમિટ હાલ માટે સસ્પેન્ડ કરવામાં આવી
પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર અધિકૃત અને સલામત વિસ્તારોની મુલાકાત લે અને સ્થાનિક સત્તાવાળાઓની માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરે. ટ્રેકિંગ પરમિટ હાલ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને પહેલાથી જ આપવામાં આવેલી પરમિટ પણ રદ કરવામાં આવી છે. આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી 2 વિદેશી નાગરિકો હતા. આ હુમલા બાદ સુરક્ષા એજન્સી એલર્ટ પર છે. આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. આ સંબંધમાં 3 આતંકીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમના સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યા છે.





















