યુદ્ધવિરામના ગણતરીના કલાકોમાં ભંગ: પાકિસ્તાન સેનાએ LoC પર ગોળીબાર શરૂ કર્યો, BSF નો આક્રમક જવાબ
પાકિસ્તાન દ્વારા જમ્મુના સુંદરબન, અખનૂર અને નૌશેરા સહિતના વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન, દક્ષિણ કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોન પણ દેખાયું, ભારતીય સેના દ્વારા સઘન કાર્યવાહી.

Pakistan broke ceasefire on LoC: ભારત અને પાકિસ્તાન વચ્ચે ગણતરીના કલાકો પહેલા જ જાહેર થયેલા યુદ્ધવિરામનો ભંગ થવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાન સેના દ્વારા નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર શરૂ કરવામાં આવ્યો છે, જેના જવાબમાં ભારતીય સીમા સુરક્ષા બળ (BSF) પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીર રાજ્યના અહેવાલો અનુસાર, પાકિસ્તાન સેના દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર અને નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જમ્મુના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરતા ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સુંદરબન, અખનૂર અને નૌશેરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરાઈ રહ્યો છે.
આ ગોળીબારના જવાબમાં ભારતીય સીમા સુરક્ષા બળ (BSF) દ્વારા પાકિસ્તાનને યોગ્ય અને આક્રમક જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતીય જવાનો પાકિસ્તાન તરફથી થતી નાપાક હરકતોનો મજબૂત રીતે સામનો કરી રહ્યા છે.
આ ઉપરાંત, દક્ષિણ કાશ્મીરમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયું હોવાના અહેવાલ છે, જે પાકિસ્તાનની સતત ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ દર્શાવે છે. યુદ્ધવિરામની જાહેરાત પછી તુરંત જ થયેલા આ ભંગાણને કારણે સરહદ પર ફરી તણાવનો માહોલ સર્જાયો છે. ભારતીય સેના અને સુરક્ષા દળો પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ રીતે સજ્જ છે.
નોંધનીય છે કે, થોડા જ કલાકો પહેલા ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો ભીષણ તણાવ હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ ક્ષેત્ર માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારત સરકારે સત્તાવાર રીતે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ (સીઝફાયર) ની પુષ્ટિ કરી છે.
ભારત સરકારે શનિવારે સાંજે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો છે. આ યુદ્ધ વિરામનો અમલ આજે સાંજે ૫:૦૦ વાગ્યાથી શરૂ થઈ ગયો છે. આ નિર્ણય સાથે, બંને દેશો વચ્ચે તાજેતરમાં વધેલા સૈન્ય તણાવનો અંત આવવાની આશા સેવાઈ રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાના નિર્ણય અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવાઓ બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. તેમણે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, "યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર."





















