PM મોદીએ સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0નો કરાવ્યો પ્રારંભ, કહ્યુ- હવે શહેરોને કચરામુક્ત કરવાનું લક્ષ્ય
વર્ષ 2014માં દેશવાસીઓએ ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો. 10 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ સાથે દેશવાસીઓએ આ સંકલ્પ પુરો કર્યો છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે સ્વચ્છ ભારત મિશન શહેરી 2.0 અને અમૃત 2.0નો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તમામ શહેરોને કચરા મુક્ત બનાવવાનું લક્ષ્ય છે. વર્ષ 2014માં દેશવાસીઓએ ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો. 10 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ સાથે દેશવાસીઓએ આ સંકલ્પ પુરો કર્યો છે. હવે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0નું લક્ષ્ય ગાર્બેઝ ફ્રી શહેર, કચરાના ઢગલાથી મુક્ત શહેરો બનાવવાના છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે મિશન અમૃતના આગામી તબક્કામાં દેશનો લક્ષ્યાંક સીવેજ અને સેપ્ટિક મેનેજમેન્ટ વધારવું, પોતાના શહેરોને વોટર સિક્યોર સિટીઝ બનાવવી અને એ સુનિશ્વિત કરવું કે આપણી નદીઓમાં કોઇ ગટરનું પાણી છોડે નહીં. સ્વચ્છ ભારત અભિયાન અને અમૃત મિશનની અત્યાર સુધીની યાત્રા તમામ દેશવાસીઓ માટે ગર્વ લેનારી છે. આમાં મિશન પણ છે, માન પણ છે, મર્યાદા પણ છે. એક દેશની મહત્વાકાંક્ષા પણ છે અને માતૃભૂમિ માટે અપ્રિતમ પ્રેમ પણ છે.
વડાપ્રધાને કહ્યું કે, સ્વચ્છ અભિયાન મિશન અને મિશન અમૃતનો આગામી તબક્કો બાબા સાહેબના સપનાઓને પુરા કરવાની દિશામાં એક મહત્વનુ પગલું છે. બાબા સાહેબ અસમાનતા દૂર કરવામાં ખૂબ મોટું માધ્યમ શહેરી વિકાસને માનતા હતા. આપણા સફાઇ કામદારો દરરોજ ઝાડુ ઉઠાવીને રસ્તાઓ સાફ કરનારા આપણા ભાઇઓ-બહેનો, કચરાથી દુર્ગંધને સહન કરીને કચરો સાફ કરનારા આપણા સાથીઓ, સાચા અર્થમાં આ અભિયાનના મહાનાયક છે. કોરોનાના કપરા સમયમાં પણ તેમના યોગદાનને દેશે નજીકથી જોયું છે. નિર્મલ ગુજરાત અભિયાન જ્યારે જન આંદોલન બન્યું હતું તો તેના સારા પરિણામો પણ મળ્યા હતા. તેનાથી ગુજરાતને નવી ઓળખ મળી છે. રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગ પણ વધ્યો છે. જનઆંદોલનની આ ભાવના સ્વચ્છ ભારત મિશનની સફળતાનો આધાર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે એ યાદ રાખવું જોઇએ કે સ્વચ્છતા એક દિવસ, એક સપ્તાહ, એક વર્ષ અથવા કેટલાક લોકોનું કામ છે એવું નથી. સ્વચ્છતા તમામ લોકોનું, દરરોજ, તમામ વર્ષો, પેઢી દર પેઢી ચાલનાર મહાઅભિયાન છે. સ્વચ્છતા જીવનશૈલી છે, સ્વચ્છતા જીવન મંત્ર છે.