Rahul Gandhi In Lok Sabha: લોકસભામાં આક્રમક અંદાજમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, અદાણીના મુદ્દે જાણો શું આપ્યું નિવેદન
કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે (7 ફેબ્રુઆરી) લોકસભામાં તેમના ભાષણ દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ અગ્નિવીર સ્કીમ, અદાણી મુદ્દાને લઈને સરકાર પર જોરદાર નિશાન સાધ્યું.
Rahul Gandhi In Lok Sabha: કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે (7 ફેબ્રુઆરી) લોકસભામાં તેમના ભાષણ દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ અગ્નિવીર સ્કીમ, અદાણી મુદ્દાને લઈને સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે 'ભારત જોડો યાત્રા' દરમિયાન અમે લોકોના મંતવ્યો સાંભળ્યા અને અમારી વાત પણ રાખી. પ્રવાસ દરમિયાન અમે બાળકો, મહિલાઓ, વડીલો સાથે વાત કરી.
લોકસભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે અમે યુવાનોને તેમની નોકરી વિશે પૂછ્યું તો ઘણાએ કહ્યું કે તેઓ બેરોજગાર છે અથવા કેબ ચલાવે છે. ખેડૂતોએ પીએમ-વીમા યોજના હેઠળ પૈસા ન મળવાની વાત કરી, તેમની જમીન છીનવી લેવામાં આવી, જ્યારે આદિવાસીઓએ આદિવાસી બિલની વાત કરી. લોકોએ અગ્નિવીર યોજનાની પણ વાત કરી, પરંતુ યુવાનોએ કહ્યું કે આ અમને 4 વર્ષ પછી નોકરી છોડવાનું કહેશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે અગ્નવીર યોજના આરએસએસ, ગૃહ મંત્રાલય તરફથી આવી છે, આર્મી તરફથી નહીં. તેમણે કહ્યું કે સેના પર અગ્નિવીર યોજના થોપવામાં આવી રહી છે. નિવૃત્ત અધિકારીઓએ કહ્યું કે લોકોને હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવે છે અને પછી સમાજમાં પાછા જવા માટે કહેવામાં આવે છે, તેનાથી હિંસા ભડકશે. તેઓને (નિવૃત્ત અધિકારીઓ)ને લાગે છે કે અગ્નિવીર યોજના સેના તરફથી નથી આવી અને NSA અજીત ડોભાલે આ યોજના સેના પર લાગુ કરી.
કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી અને મોંઘવારી જેવા કોઈ શબ્દો નથી. તમિલનાડુ, કેરળથી લઈને હિમાચલ પ્રદેશ સુધી દરેક જગ્યાએ આપણે એક જ નામ 'અદાણી' સાંભળતા આવ્યા છીએ. આખા દેશમાં ફક્ત 'અદાણી', 'અદાણી', 'અદાણી'... લોકો મને પૂછતા હતા કે અદાણી કોઈપણ વ્યવસાયમાં પ્રવેશ કરે છે અને ક્યારેય નિષ્ફળ જતા નથી. યુવાનોએ અમને પૂછ્યું કે અદાણી હવે 8-10 સેક્ટરમાં છે અને 2014 થી 2022 સુધીમાં તેમની નેટવર્થ $8 બિલિયનથી $140 બિલિયન સુધી કેવી રીતે પહોંચી. કાશ્મીર અને હિમાચલના સફરજનથી લઈને બંદરો, એરપોર્ટ અને તે રસ્તાઓ સુધી કે જેના પર આપણે ચાલીએ છીએ, ત્યાં માત્ર અદાણીની જ વાત થઈ રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ સંબંધોની શરૂઆત ઘણા વર્ષો પહેલા થઈ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એક વ્યક્તિ પીએમ મોદી સાથે ખભે ખભા મિલાવીને ઉભો હતો, તે પીએમ પ્રત્યે વફાદાર હતો અને મોદીને મદદ કરી હતી. અસલી જાદુ ત્યારે શરૂ થયો જ્યારે 2014માં પીએમ મોદી દિલ્હી પહોંચ્યા. એવો નિયમ છે કે જેને એરપોર્ટનો અગાઉનો અનુભવ ન હોય તેને એરપોર્ટના વિકાસમાં સામેલ કરી શકાય નહીં. ભારત સરકારે આ નિયમ બદલ્યો છે. આ નિયમમાં ફેરફાર કરીને છ એરપોર્ટ અદાણીને આપવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે ત્યારબાદ ભારતના સૌથી લાભદાયક મુંબઈ એરપોર્ટને GVK થી CBI, ED જેવી એજન્સીનો ઉપયોગ કરી હાઈજેક કરી લેવામાં આવ્યું અને ભારત સરકાર તરફથી તેને અદાણીને આપવામાં આવ્યું. હવે અદાણી પાસે ડિફેન્સ સેક્ટર, ડ્રોન સેક્ટરનો કોઈ અનુભવ નથી. અદાણીએ ક્યારેય ડ્રોન નથી બનાવ્યું, પરંતુ એચએએલ ભારતની અન્ય કંપનીઓ આવું કરે છે. તેમ છતાં પીએમ મોદી ઈઝરાયેલ જાય છે અને અદાણીને કોન્ટ્રાક્ટ મળે છે. ગઈકાલે પીએમએ કહ્યું HALમાં અમે ખોટા આરોપો લગાવ્યા છે, પરંતુ વાસ્તવમાં HALના 126 એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણી પાસે ગયો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઓસ્ટ્રેલિયા જાય છે અને જાદુથી SBIએ અદાણીને 1 બિલિયન ડોલરની લોન આપી હતી. પછી તે બાંગ્લાદેશ જાય છે અને પછી બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે અદાણી સાથે 25 વર્ષનો કરાર કર્યો હતો. પહેલા મોદી અદાણીના જહાજથી જતા હતા, હવે અદાણીના જહાજથી મોદી જાય છે.