ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં પૂરી થયેલી પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 1-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં પૂરી થયેલી પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 1-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય ટીમ ICCની તાજેતરની ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ત્રીજા સ્થાને સરકી ગઈ છે.
2019-21 અને 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન બનાવી ચૂકેલી ભારતીય ટીમના 109 રેટિંગ પોઈન્ટ છે. 2023 WTC વિજેતા ઑસ્ટ્રેલિયા 126 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર છે અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા છે, જેણે તાજેતરમાં જ પાકિસ્તાનને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં હરાવી દીધું હતું. આફ્રિકા 112 રેટિંગ પોઈન્ટ સાથે WTC 2023-25 પોઈન્ટ ટેબલમાં ટોપ રહેશે તે નક્કી છે.
દક્ષિણ આફ્રિકાએ વિશ્વની ત્રીજી ક્રમાંકિત ટેસ્ટ ટીમ તરીકે પાકિસ્તાન સામે શ્રેણીની શરૂઆત કરી હતી, પરંતુ બે મેચમાં બે જીત સાથે ટેમ્બા બાવુમાની ટીમે ભારતને પાછળ છોડી દીધુ હતું. ભારતીય ટીમ ત્રણ સીઝનમાં પ્રથમ વખત WTC ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી.
ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 2024-25ની સીઝનની શરૂઆત નવેમ્બરમાં ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળની ટીમ સામે 295 રનથી જંગી જીત સાથે કરી હતી. પરંતુ રોહિત શર્માની ટીમ તે જીતને આગળ વધારવામાં નિષ્ફળ રહી અને પછીની ચારમાંથી ત્રણ મેચ હારી ગઈ હતી.
જૂન 2023માં ઓવલ ખાતે રમાયેલી WTC 2023ની ફાઇનલમાં ભારતને 209 રનથી હરાવનાર ઑસ્ટ્રેલિયાએ 6-8 ડિસેમ્બર 2024ના રોજ એડિલેડ ઓવલ ખાતે પિંક બોલથી રમાયેલી બીજી ટેસ્ટમાં 10 વિકેટથી જીત મેળવી હતી અને ત્યારબાદ મેલબોર્ન અને સિડનીમાં અનુક્રમે 184 રન અને 6 વિકેટે શાનદાર વિજય નોંધાવ્યો હતો. એડિલેડ અને મેલબોર્ન ટેસ્ટ વચ્ચે બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી મેચ વરસાદને કારણે ડ્રો રહી હતી.
11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સમાં યોજાનારી WTC 2025ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. જો ઓસ્ટ્રેલિયા આ વન મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવવામાં સફળ થાય છે તો તેઓ તેમના WTC ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કરનાર ઇતિહાસની પ્રથમ ટીમ બની જશે.