Russia Ukraine War: યૂક્રેન પર વડાપ્રધાન મોદીની હાઈ લેવલ બેઠક, રોમાનિયા અને સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે ફોન પર કરી વાત
Russia Ukraine War: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે યૂક્રેન સંકટને લઈને બીજી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
Russia Ukraine War: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે યૂક્રેન સંકટને લઈને બીજી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ, વીકે સિંહ ઉપરાંત ઘણા ટોચના અધિકારીઓ હાજર હતા.
બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર સરકારી તંત્ર ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, ભારત પાડોશી અને વિકાસશીલ દેશોના એ લોકોની પણ મદદ કરશે જે પૂર્વ યુરોપના યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયા છે.
બેઠક બાદ વડાપ્રધાન મોદીએ રોમાનિયા અને સ્લોવાકિયાના વડાપ્રધાનો સાથે વાત કરી અને યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ તેમનો આભાર માન્યો.
પીએમ મોદીએ દિવસ દરમિયાન પણ બેઠક કરી હતી. આ બેઠકમાં યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયામાં સંકલન કરવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુદ્ધગ્રસ્ત દેશના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સિંધિયા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાની કામગીરી માટે રોમાનિયા અને મોલ્ડોવા સાથે સંકલન કરશે, જ્યારે રિજિજુ સ્લોવાકિયા જશે. સૂત્રોએ જણાવ્યું કે પુરી હંગેરી જશે અને વીકે સિંહ ભારતીયોને બહાર કાઢવાની વ્યવસ્થા કરવા પોલેન્ડ જશે.
આજે સતત પાંચમા દિવસે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન યુરોપિયન દેશોના નિર્ણય પર રશિયાએ જવાબી કાર્યવાહી કરી છે. મોસ્કોએ બ્રિટન અને જર્મની સહિત 36 દેશો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ દેશોએ રશિયા પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. યુરોપિયન યુનિયન રશિયન એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરવા માટે સંમત થયા છે. આ કારણોસર રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તેમની જીનીવા મુલાકાત રદ કરવી પડી હતી. લવરોવા યુએનની બેઠકમાં ભાગ લેવાના હતા.
યુરોપિયન યુનિયને યુક્રેનને મોકલવા માટેના શસ્ત્રો પર લાખો યુરો ખર્ચ્યા છે, અને સાથે સાથે ક્રેમલિન તરફી મીડિયા સંગઠનને નિશાન બનાવ્યું છે. તે જ સમયે, યુએસ ટ્રેઝરી વિભાગે સોમવારે કહ્યું કે રશિયાની કેન્દ્રીય બેંક અને સરકારી રોકાણ ભંડોળ પર નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, જાપાન, યુરોપિયન યુનિયન અને અન્ય દેશ અમેરિકા સાથે મળી પ્રતિબંધોના માધ્યમથી રશિયાની સેન્ટ્રલ બેંકને નિશાન બનાવી રહ્યા છે. નાણા વિભાગના જણાવ્યા અનુસાર, આ પગલાથી, રશિયન કેન્દ્રીય બેંક અમેરિકા અથવા કોઈપણ અમેરિકન એકમ પાસેથી કોઈ ભંડોળ એકત્ર કરી શકશે નહીં.