ઓપરેશન 'ગંગા'માં જોડાશે ભારતીય વાયુ સેના, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા મોકલશે આ વિમાન
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકારે અભિયાન તેજ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને પરત લાવવા માટે એરફોર્સને સૂચના આપી છે.
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકારે અભિયાન તેજ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને પરત લાવવા માટે એરફોર્સને સૂચના આપી છે. આજે મંગળવારથી વાયુસેનાના ઘણાં C-17 વિમાનો ઓપરેશન 'ગંગા'માં જોડાશે. ભારતીય સેનાના આ વિમાનો ભારતથી યુક્રેન સુધી રાહત સામગ્રી પણ લઈ જશે. અત્યાર સુધીમાં 2016 ભારતીયો યુક્રેનથી વતનમાં આવી ચુક્યા છે. આજે પણ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ વતન પરત આવશે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. બંને દેશો વચ્ચે 24 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયું હતું. યુક્રેનની સ્થિતિ હજુ પણ ખરાબ છે. ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બંને દેશો વચ્ચે વાતચીત પણ શરૂ થઈ ગઈ છે. સોમવારે બેલારુસની સરહદ પર રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત થઈ હતી. જોકે મંત્રણાનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે શરૂ કરવામાં આવેલા ઓપરેશન ગંગાની વાત કરીએ તો, કેન્દ્ર સરકારે તેની શરૂઆત 26 ફેબ્રુઆરીએ કરી હતી અને અત્યાર સુધીમાં 2016 વિદ્યાર્થીઓને યુક્રેનથી ભારત લાવવામાં આવ્યા છે. મંગળવારે સવારે એર ઈન્ડિયાની સાતમી ફ્લાઈટ 182 ભારતીય નાગરિકોને લઈને રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઈ પહોંચી હતી. એર ઈન્ડિયાના પ્લેન IX1202માં મુંબઈ એરપોર્ટ પહોંચેલા ભારતીય નાગરિકોનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ સ્વાગત કર્યું.
ચાર મંત્રીઓને અપાઈ જવાબદારીઃ
કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે 4 કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી આપી છે. આ ચાર મંત્રીઓમાં જ્યોતિરાદિત્ય સિંધીયા, કિરણ રીજ્જુ, વી.કે સિંહ અને હરદીપ પુરીનો સમાવેશ થાય છે. આ ચારેય મંત્રીઓ રોમાનિયા, સ્લોવાકિયા, હંગેરી અને પોલેન્ડ જશે અને ત્યાં ફસાયેલા ભારતીયોની મદદ કરશે.
આ પણ વાંચોઃ