Russia Ukraine War: ભારતીય દૂતાવાસે યુક્રેનનું કયું શહેર તાત્કાલિક છોડવા ભારતીયોને આપી સલાહ, જાણો મોટા સમાચાર
Russia Ukraine War: ભારતીયોને તાત્કાલિક ધોરણ કિવ શહેર છોડવાની સલાહ આપવામાં આવી.
Russia Ukraine War: યુક્રેન પર રશિયન આક્રમણનો આજે છઠ્ઠો દિવસ છે. દરમિયાન, યુક્રેનમાં ફસાયેલા 182 ભારતીય નાગરિકોને લઈને ઓપરેશન ગંગાની સાતમી ફ્લાઈટ રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઈ પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મુંબઈ એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોનું સ્વાગત કર્યું હતું. આઠમી ફ્લાઇટ પણ આજે હંગેરીના બુડાપેસ્ટથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી.. આ દરમિયાન આજે ભારતીય દૂતાવાસે યુક્રેનના કિવ શહેરમાં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક શહેર છોડવાની સલાહ આપી છે.
એડવાઈઝરીમાં તમામ ભારતીયોને આજે કિવમાંથી બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે. તેમને ગમે તે માધ્યમથી કિવ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. કિવમાં રશિયન સૈનિકો સોમવાર રાતથી સતત બોમ્બ અને મિસાઈલથી હુમલો કરી રહ્યા છે. કિવને કબજે કરવા માટે રશિયા એકદમ આક્રમક બની ગયું છે. સતત હુમલાથી ખતરો વધી ગયો છે. આ જ કારણ છે કે ભારતીય એમ્બેસીએ એડવાઈઝરી જારી કરી છે.
રશિયાએ યુક્રેનનાં લોકોનાં ઘરો પર બોમ્બમારો કરીને 350 લોકોની હત્યા કરી હોવાના દાવાથી ખળભળાટ મચી ગયો છે. રશિયન સેના યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. રશિયન આર્ટિલરીએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં અનેક રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો છે. ખારકિવમાં ચાલી રહેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 11 નાગરિકોના મોત થયા છે. યુક્રેનનું કહેવું છે કે ગયા ગુરુવારે હુમલો શરૂ થયો ત્યારથી 14 બાળકો સહિત 352 નાગરિકો માર્યા ગયા છે.
Embassy of India in Ukraine advises Indians to leave Kyiv urgently today pic.twitter.com/tmoXpWTd1l
— ANI (@ANI) March 1, 2022
યુક્રેનનો દાવો છે કે રશિયાએ આક્રમણ દરમિયાન વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. યુએસમાં યુક્રેનના રાજદૂત ઓક્સાના માર્કોવાએ સોમવારે કહ્યું કે રશિયાએ યુક્રેન પર હુમલો કરવા માટે વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે.
વધતા વૈશ્વિક દબાણને અવગણતા, રશિયાએ મંગળવારે યુક્રેનના ખારકિવ શહેરમાં ગોળીબાર કર્યો. દરમિયાન મોસ્કો સામે યુદ્ધ અપરાધોની તપાસ શરૂ થઈ રહી છે. ફિફાએ તેના પર વર્લ્ડ કપમાં પણ પ્રતિબંધ લગાવી દીધો છે
યુક્રેનમાં તબાહીની સેટેલાઈટ તસવીરો આવી સામે
યુક્રેનમાં તબાહીની તાજી સેટેલાઇટ તસવીરો સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે યુક્રેન સંપૂર્ણ રીતે ઘેરાયેલું છે. રશિયન સશસ્ત્ર દળોનો એક મોટો કાફલો કિવની નજીક જઈ રહ્યો છે. સેટેલાઇટ ઇમેજમાં શરૂઆતમાં ઓછામાં ઓછા કેટલાક સો વાહનોનું જૂથ દેખાયું હતું. સોમવારે કિવની બહારના ભાગમાં એન્ટોનવ એરપોર્ટથી લગભગ 20 માઇલ ઉત્તરમાં અને શહેરની સીમાથી 30 માઇલ દૂર હતું.
તસવીરમાં જોઈ શકાય છે કે વાહનોનો આ કાફલો ઓછામાં ઓછા 17 માઈલ સુધી ફેલાયેલો છે. વાહનોની લાઇન એટલી મોટી છે કે સેટેલાઇટ ઇમેજ તેને સંપૂર્ણ રીતે કેપ્ચર કરી શકી નથી. આ સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે રશિયન સૈનિકો યુક્રેન પર અનેક મોરચે હુમલો કરી રહ્યા છે અને કિવ તરફ આગળ વધી રહ્યા છે. આ સેંકડો બખ્તરબંધ વાહનોનો કાફલો છે. તેમાં ઘણી ટેન્ક છે, સશસ્ત્ર ટ્રકો વિનાશનો સામાન ભરેલી છે. આ લશ્કર કિવથી માત્ર 25 કિલોમીટર દૂર છે. આ સિવાય તસવીરમાં કિવ શહેરની બહારના યુદ્ધના નિશાન જ દેખાય છે. તસવીર યુદ્ધમાં તબાહી, તૂટેલા પુલ અને ઘણા નાશ પામેલા વાહનો દર્શાવે છે.