મહારાષ્ટ્ર સરકારના કરિયાણાની દુકાનો પર વાઇન વેચાણના ફેંસલા પર ભડક્યા અન્ના હજારે, કહી આ મોટી વાત
મહારાષ્ટ્ર સરકારે 1000 વર્ગ ફૂટથી વધારે જગ્યા ધરાવતાં સુપર માર્કેટ તથા કરિયાણાની દુકાનોમાં એક અલગ કાઉન્ટર લગાવીને શરાબ વેચવા માટે ગત સપ્તાહે મંજૂરી આપી છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે ગત સપ્તાહે સુપર માર્કેટ અને કરિયાણાની દુકાનોમાં દારૂના વેચાણને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. દારૂ વેચાણથી થનારી રેવન્યૂ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે સરકારના આ નિર્ણયને લઈને વિપક્ષ તેમને નિશાન બનાવી રહ્યા છે. હવે સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પણ મહારાષ્ટ્ર સરકારને ફેંસલા પર ભડક્યા છે.
શું કહ્યું અન્ના હજારેએ
અન્ના હજારેએ કહ્યું, મહારાષ્ટ્ર સરકારનો આ ફેંસલો દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોને નશો છોડવા માટે પ્રેરિત કરવા સરકારનું દાયિત્વ છે. પરંતુ હું જાણીને હેરાન છું કે રાજ્ય સરકાર નાણાકીય ફાયદો મેળવવા આવો ફેંસલો લઈ રહી છે. તેનાથી લોકોને દારૂની લત લાગી જશે.
મહારાષ્ટ્ર સરકારે શું કરી હતી જાહેરાત
મહારાષ્ટ્ર સરકારે 1000 વર્ગ ફૂટથી વધારે જગ્યા ધરાવતાં સુપર માર્કેટ તથા કરિયાણાની દુકાનોમાં એક અલગ કાઉન્ટર લગાવીને શરાબ વેચવા માટે ગત સપ્તાહે મંજૂરી આપી છે. રાજ્ય સરકારના મંત્રી તથા પ્રવક્તા નવાબ મલિકે કહ્યું, રાજ્યમાં શરાબ ઉત્પાદનના અનેક કારખાના છે. શરાબ ઉત્પાદકોની મદદ કરવા રાજ્ય સરકારે આ ફેસલો કર્યો છે.
કરિયાણાની દુકાન ચલાવતાં દુકાનદારોના કહેવા મુજબ, જો કરિયાણાની દુકાનમાં દારૂનું વેચાણ શરૂ થશે તો પરિવારના સભ્યો અને મહિલા ગ્રાહકો આવવાનું બંધ થઈ જશે અને તેમને નુકસાન થશે. જ્યારે ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ વિરેન શાહનું માનવું છે કે મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી મુંબઈના વેપારી સંગઠનો ખુશ દેખાઈ રહ્યા છે. તેનાથી તેમનો બિઝનેસ વધવાની આશા છે.
રાજ્યના કૌશલ્ય વિકાસ મંત્રી નવાબ મલિકે કહ્યું સુપરમાર્કેટ અને આસપાસની દુકાનોમાં અલગ સ્ટોલ આધારિત સિસ્ટમ અપનાવવામાં આવશે. જેઓ 100 ચોરસ મીટર કે તેથી વધુ વિસ્તાર ધરાવતા હોય અને જેઓ મહારાષ્ટ્રના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા હોય તેમને આ મંજૂરી આપવામાં આવશે. પરંતુ પૂજા સ્થાનો અથવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના સુપરમાર્કેટમાં દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય જે જિલ્લાઓમાં દારૂબંધી લાગુ છે ત્યાં દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં.