'અમે વંદે માતરમ નહીં ગાઈએ...', શ્રીનગરના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહનું સંસદમાં ખુલ્લું એલાન, કહ્યું- રાષ્ટ્રવાદના નામે મજબૂર ન કરો
Srinagar MP speech: લોકસભામાં ચર્ચા દરમિયાન આગા સૈયદ રુહુલ્લાહે જ્યારે પોતાનો પક્ષ મૂક્યો ત્યારે સોશિયલ મીડિયા પર તેમના ભાષણની ક્લિપ્સ વાયરલ થવા લાગી હતી.

Srinagar MP speech: વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં ચાલી રહેલી ચર્ચા એક અત્યંત સંવેદનશીલ વળાંક પર આવી ગઈ છે. જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના શ્રીનગરના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહે ભરી સંસદમાં સ્પષ્ટ શબ્દોમાં 'વંદે માતરમ' ગાવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે બંધારણીય અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાનો હવાલો આપીને સરકારને ઘેરતા કહ્યું હતું કે, તમે રાષ્ટ્રવાદના નામે કોઈની પાસે બળજબરીથી પૂજા ન કરાવી શકો કે ગીતો ગવડાવીને વફાદારીનો ટેસ્ટ ન લઈ શકો.
'તમે ગાઓ, અમે આદર કરીએ છીએ, પણ ગાઈ શકતા નથી'
લોકસભામાં ચર્ચા દરમિયાન આગા સૈયદ રુહુલ્લાહે જ્યારે પોતાનો પક્ષ મૂક્યો ત્યારે સોશિયલ મીડિયા પર તેમના ભાષણની ક્લિપ્સ વાયરલ થવા લાગી હતી. તેમણે ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે, "તમે વંદે માતરમ ગાઈ શકો છો, અમને તેમાં કોઈ વાંધો નથી અને અમે રાષ્ટ્રગીત તરીકે તેનો પૂરો આદર કરીએ છીએ. અમે તેના સન્માનમાં ઉભા રહી શકીએ છીએ, પરંતુ અમારી ધાર્મિક માન્યતાઓ અમને તે ગાવાની મંજૂરી આપતી નથી. તેથી, તમે અમને તે ગાવા માટે મજબૂર કરી શકતા નથી."
મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો ખેલ?
સરકારની ઝાટકણી કાઢતા સાંસદે કહ્યું કે જ્યારે શાસકો પાસે બેરોજગારી, મોંઘવારી અને સુશાસન જેવા પાયાના પ્રશ્નોના જવાબો નથી હોતા, ત્યારે તેઓ 'ઓળખ' (Identity) ના રાજકારણનો સહારો લે છે. ગીતોને દેશભક્તિ અને વફાદારીની કસોટી બનાવી દેવામાં આવે છે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે આજે વિનાશને જ ન્યાય માનવામાં આવે છે અને એક ચોક્કસ સમુદાયને હંમેશા શંકાના દાયરામાં રાખવામાં આવે છે.
'રાષ્ટ્રવાદના નામે પૂજાની માંગણી અયોગ્ય'
રુહુલ્લાહે પોતાના નિવેદનના બચાવમાં બંધારણીય અધિકારોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, "ધાર્મિક સ્વતંત્રતા એ મારો મૂળભૂત અધિકાર છે. રાષ્ટ્રવાદના નામે તમે મારી પાસે કોઈ દેવીની પૂજા કરવાની માંગણી ન કરી શકો." તેમણે દલીલ કરી હતી કે વંદે માતરમ ગીત ભારત માતાને દેવી તરીકે પૂજે છે, જે તેમની માન્યતા સાથે સુસંગત નથી. નાગરિકોને આ ગીત ગાવા માટે દબાણ કરવું એ બંધારણે આપેલી ધાર્મિક આઝાદીનું સીધું ઉલ્લંઘન છે.
'સરકારો બદલાશે, પણ મારો ઈમાન નહીં'
પોતાના ભાષણમાં તેમણે એક શક્તિશાળી વાત કરી કે, "રાષ્ટ્રીયતા બદલાઈ શકે છે, સરકારો આવી શકે છે અને જઈ શકે છે, પરંતુ મારો ધાર્મિક વિશ્વાસ (ઈમાન) બદલી શકાતો નથી. અમે આ દેશની આઝાદી માટે વિદેશી તાકાતો સામે લડ્યા હતા. અને જો જરૂર પડશે તો, અમે અમારા બંધારણીય હકોના રક્ષણ માટે દેશની અંદર પણ એવા લોકો સામે લડીશું જેઓ અમને અમારા હકોથી વંચિત રાખવા માંગે છે."
ચર્ચાની સરખામણી 'બુલડોઝર ઓપરેશન' સાથે
નેશનલ કોન્ફરન્સના નેતાએ આ સમગ્ર ચર્ચાને 'બુલડોઝર ઓપરેશન' સાથે સરખાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ઉપયોગ કરીને મુસ્લિમ સમુદાયને જાણી જોઈને અલગ પાડી રહી છે. અસંમતિ દર્શાવનારાઓને ગદ્દાર ચિતરવામાં આવી રહ્યા છે, જેથી બેરોજગારી અને મોંઘવારી જેવા સળગતા પ્રશ્નો પરથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય.





















