મુસ્લિમ પુરુષોને 4 લગ્નની મંજૂરી અને હલાલા જેવી જોગવાઈ રદ થશે? સુપ્રીમ કોર્ટે સુનાવણીની તારીખ નક્કી કરી
ટ્રિપલ તલાકને રદ કર્યા બાદ હવે સુપ્રીમ કોર્ટ મુસ્લિમ સમાજમાં પ્રચલિત નિકાહ હલાલા અને બહુપત્નીત્વની (એકથી વધુ લગ્ન) વ્યવસ્થા પર પણ સુનાવણી કરશે.
Supreme Court: ટ્રિપલ તલાકને રદ કર્યા બાદ હવે સુપ્રીમ કોર્ટ મુસ્લિમ સમાજમાં પ્રચલિત નિકાહ હલાલા અને બહુપત્નીત્વની (એકથી વધુ લગ્ન) વ્યવસ્થા પર પણ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે કહ્યું છે કે, આ મામલાની સુનાવણી દશેરાની રજાઓ પછી કરવામાં આવશે. જે મુજબ આ સુનાવણી 11 ઓક્ટોબરથી શરૂ થવાની સંભાવના છે.
લઘુમતી આયોગને પણ પક્ષકાર બનાવાયુંઃ
જણાવી દઈએ કે 26 માર્ચ 2018ના રોજ તત્કાલિન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. બેન્ચે આ મામલાની બંધારણીય બેંચમાં સુનાવણી કરવાની વાત પણ કરી હતી. આજે, જસ્ટિસ ઈન્દિરા બેનર્જી, હેમંત ગુપ્તા, સૂર્યકાન્ત, એમએમ સુંદરેશ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે આ મામલે પ્રાથમિક સુનાવણી હાથ ધરી હતી અને કહ્યું હતું કે ઓક્ટોબરમાં વિગતવાર સુનાવણી કરાશે. આ સુનાવણી માટે બંધારણીય બેંચે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, મહિલા આયોગ અને લઘુમતી આયોગને પણ પક્ષકાર બનાવાયું છે.
9 અરજીઓ પર સુનાવણી થશેઃ
સુપ્રીમ કોર્ટમાં આજે કુલ 9 અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આમાં સમીના બેગમ, નફીસા ખાન, ફરઝાના, શબનમ જેવી મુસ્લિમ મહિલાઓ ઉપરાંત મુસ્લિમ વુમન્સ રેસિસ્ટેંટ કમિટીની નાઝિયા ઈલાહી ખાનની અરજી પણ છે. આ સિવાય વકીલ અશ્વિની ઉપાધ્યાય અને હૈદરાબાદના મોહસીન બિન હુસૈને પણ અરજી દાખલ કરી છે.
આ 4 પ્રથાઓને પડકારાઈઃ
સુપ્રીમ કોર્ટમાં થયેલી કુલ 9 અરજીઓમાં સમાજની 4 પ્રકારની પ્રથાઓને ગેરકાયદે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે જે મુજબ,
1. બહુપત્નીત્વ (એકથી વધુ લગ્ન) - પુરુષોને એક સમયે 4 વખત લગ્ન કરવાની મંજૂરી
2. નિકાહ હલાલા- છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાએ તેના પતિ સાથે ફરીથી લગ્ન કરવા માટે પહેલા બીજા પુરુષ સાથે લગ્ન કરવા પડે છે, શારીરિક સંબંધો બાંધવા પડે છે. પછી નવા પતિથી છૂટાછેડા લીધા પછી, પ્રથમ પતિ સાથે લગ્ન કરી શકાય છે.
3. નિકાહ-એ-મુતાહ- શિયા મુસ્લિમોના એક વર્ગમાં પ્રચલિત કરાર લગ્ન. આમાં લગ્ન એક નિશ્ચિત સમય માટે જ થાય છે. આ કરાર પુર્ણ થયા પછી, મહિલા અને તેના બાળકોની આજીવિકા માટે તેના પતિની જવાબદારી રહેતી નથી.
4. નિકાહ-એ-મિસ્યાર- સુન્ની મુસ્લિમોના એક વિભાગમાં કરાર લગ્ન માન્ય છે. તે નિકાહ-એ-મુતાહ જેવું જ હોય છે.
આ પ્રથાઓ બંધારણ વિરુદ્ધ હોવાનો ઉલ્લેખઃ
સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીઓમાં બંધારણની કલમ 14, 15 અને 21નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે મુજબ મુસ્લિમ સમાજની આ પ્રથાઓ બંધારણની વિરુદ્ધ હોવાનું જણાવાયું છે. કલમ 14 અને 15 દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપે છે. એટલે કે, જાતિ, ધર્મ, ભાષા અથવા લિંગના આધારે ભેદભાવ કરી શકાતો નથી, જ્યારે કલમ 21 દરેક નાગરિકને સન્માન સાથે જીવવાનો અધિકાર આપે છે.
અરજદારોના મતે હલાલા અને બહુપત્નીત્વ જેવી જોગવાઈઓ મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ કરે છે. તેઓ તેમને બંધારણ દ્વારા ખાતરી આપવામાં આવેલ મૂળભૂત અધિકારોથી વંચિત રાખે છે. તેથી, તેમને સમાનતા અને સન્માન આપવા માટે, સુપ્રીમ કોર્ટે 1937ના મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટની કલમ 2 ને ગેરબંધારણીય જાહેર કરવી જોઈએ. આ જોગવાઈઓ આ વિભાગમાં ઉલ્લેખિત છે.