'બાળ લગ્નના કાયદા પર પર્સનલ લૉની ન થઇ શકે અસર', સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દર વર્ષે 18 વર્ષથી ઓછી ઉંમરની લાખો છોકરીઓના લગ્ન થાય છે. 10 વર્ષની ઉંમર પહેલા લગ્નના કિસ્સાઓ મોટી સંખ્યામાં છે
Supreme Court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે (18 ઑક્ટોબર 2024) દેશમાં બાળ લગ્નના વધતા કેસોને લગતી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પર્સનલ લોના કારણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો પ્રભાવિત થાય તે યોગ્ય નથી. કોર્ટે કહ્યું છે કે નાની ઉંમરમાં લગ્ન કરવાથી લોકો પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાના અધિકારથી વંચિત રહે છે. કોર્ટે એમ પણ કહ્યું કે બાળ લગ્ન નિષેધ કાયદાને પર્સનલ લૉથી ઉપર રાખવાનો મુદ્દો સંસદીય સમિતિ પાસે પેન્ડિંગ છે. તેથી તે તેના પર વધુ ટિપ્પણી કરી રહી નથી.
'રાજ્ય સરકારોની બેદરકારી'
સુપ્રીમ કોર્ટે સોસાયટી ફોર ઇનલાઈટેનમેન્ટ એન્ડ વોલન્ટરી એક્શન નામની એનજીઓની અરજી પર પોતાનો ચુકાદો આપતાં બાળલગ્ન પર નિયંત્રણને લઈને અનેક નિર્દેશ આપ્યા હતા. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બાળ લગ્ન પર પ્રતિબંધ હોવા છતાં દેશમાં આજે પણ બાળ લગ્ન કરવામાં આવી રહ્યા છે. દર વર્ષે 18 વર્ષથી ઓછી ઉંમરની લાખો છોકરીઓના લગ્ન થાય છે. 10 વર્ષની ઉંમર પહેલા લગ્નના કિસ્સાઓ મોટી સંખ્યામાં છે. તેનું સૌથી મોટું કારણ રાજ્ય સરકારોની બેદરકારી છે.
3 જજની બેન્ચે આ અંગે શું આપ્યો આદેશ
-બાળ લગ્ન રોકવા સંબંધિત તમામ વિભાગના લોકોને વિશેષ તાલીમની જરૂર છે.
-દરેક સમુદાયના લોકો માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવવી જોઈએ
-સજા કરવાથી સફળતા મળતી નથી
-સમાજની પરિસ્થિતિ સમજીને વ્યૂહરચના બનાવો
-લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થવો જોઈએ
-બાળ લગ્ન નિષેધ કાયદાને પર્સનલ લોથી ઉપર રાખવાનો મુદ્દો સંસદીય સમિતિમાં પેન્ડિંગ છે. એટલા માટે કોર્ટ તેના પર ટિપ્પણી કરી રહી નથી
-પરંતુ એ વાત સાચી છે કે ઓછી ઉંમરમાં લગ્ન લોકોને તેમની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાના અધિકારથી વંચિત રાખે છે.
ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવવામાં આવી
સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ન્યાયાધીશોની લાઇબ્રેરીમાં સ્થાપિત પ્રતિમાની વિશેષતા એ છે કે તેને આંખે પટ્ટી બાંધવામાં આવી નથી. પરંપરાગત મૂર્તિની જેમ, તેના એક હાથમાં ત્રાજવા છે પરંતુ બીજા હાથમાં તલવારને બદલે, તેમાં ભારતનું બંધારણ છે. પ્રતીકાત્મક રીતે જોવામાં આવે તો, થોડા મહિના પહેલા સ્થાપિત ન્યાયની દેવીની નવી પ્રતિમા એ સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે ન્યાય આંધળો નથી. તે બંધારણના આધારે કામ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રતિમા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની પહેલ પર લગાવવામાં આવી છે. જો કે, હાલમાં તે સ્પષ્ટ નથી કે આવી વધુ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે કે નહીં.