Gyanvapi case : સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ, જ્ઞાનવાપી કેસને જિલ્લા કોર્ટમાં કર્યો ટ્રાન્સફર
Gyanvapi case : સુપ્રીમ કોર્ટે પક્ષકારોને કહ્યું કે આ મામલો અમારી પાસે પેન્ડિંગ રહેશે.
Gyanvapi case : જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસને જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પક્ષકારોને કહ્યું કે આ મામલો અમારી પાસે પેન્ડિંગ રહેશે, પરંતુ તમે પહેલા ડિસ્ટ્રિક્ટ જજ પાસે જાઓ અને ત્યાં દલીલ કરો. અમારી પાસે તમારા માટે વધુ તક હશે.
હવે વારાણસી જિલ્લા કોર્ટમાં થશે સુનાવણી
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી હવે જિલ્લા કોર્ટમાં જ થશે. આ કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેને વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મોકલી દીધો છે. હવે જિલ્લા ન્યાયાધીશ ટ્રાયલ સંબંધિત તમામ બાબતોને જોશે. સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ આઠ સપ્તાહ સુધી અમલમાં રહેશે. સુપ્રીમ કોર્ટે 17 મેના રોજ 8 અઠવાડિયાનો વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો.
સર્વે રિપોર્ટ લીક થવા પર મુસ્લિમ પક્ષકારે વાંધો ઉઠાવ્યો
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે મીડિયામાં લીક થવા અંગે મુસ્લિમ પક્ષકારે વાંધો ઉઠાવ્યો અને પ્રશ્ન કર્યો હતો કે આ રિપોર્ટ મીડિયામાં કેવી રીતે લીક થયો?
આના જવાબમાં કોર્ટ કમિશ્નર વિશાલ સિંહે કહ્યું કે મેં રિપોર્ટ સબમિટ કર્યો અને ફાઇલ કરતા પહેલા લીક થયૉ નથી. તે પછી થયું હશે કે કેમ તે કહી શકાતું નથી. ગઈ કાલની તારીખે 10.15 મિનિટ સુધી રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો તો તે સંપૂર્ણપણે સુરક્ષિત હતો.ક્યાંય લીક ન હતો થયૉ. તે પછી શું થયું મને ખબર નથી. ફાઇલ કર્યા પછી તે જાહેર દસ્તાવેજ બની જાય, તો વાદી અને પ્રતિવાદી પક્ષમાંથી કોઇએ ફોટો લીધો હશે, તે મારું અનુમાન છે. રિપોર્ટ સંપૂર્ણપણે નિષ્પક્ષ છે. SCનો આદેશ માન્ય છે.
આજે જ્ઞાનવાપીમાં નમાજ, પણ વજુ નહીં
આજે જ્ઞાનવાપી મસ્જિદમાં જુમ્માની નમાઝની મંજૂરી આપવામાં આવી હતી, પણ જે સ્થળે શિવલિંગ મળી આવ્યું છે તે સ્થળને સીલ કરી દીધુ હોવાથી ત્યાં વજુ માટે કોઈને પણ મંજૂરી આપવામાં આવી નથી. આ અંગે સુપ્રીમકોર્ટમાં ઉત્તરપ્રદેશ સરકારના વકીલ તુષાર મહેતાએ કહ્યું કે ત્યાં નમાઝ પણ યોજવામાં આવી હતી અને વહીવટીતંત્ર દ્વારા ત્યાં વજુની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.