તાજમહેલ વિવાદ: ભાજપનાં સાંસદ દિયા કુમારીએ જયપુરના રાજપરિવાર સાથે તાજમહેલનો સંબંધ આ રીતે જોડ્યો
તાજમહેલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જયપુરના પૂર્વ શાહી પરિવારનાં સભ્ય અને રાજસમંદથી બીજેપી સાંસદ દિયા કુમારીએ ચોંકાવનારો દાવો કર્યો છે.
Taj Mahal Controversy: તાજમહેલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જયપુરના પૂર્વ શાહી પરિવારનાં સભ્ય અને રાજસમંદથી બીજેપી સાંસદ દિયા કુમારીએ ચોંકાવનારો દાવો કર્યો છે. દિયા કુમારીએ કહ્યું કે, તાજમહેલ જયપુરના રાજવી પરિવારની મિલકત હતી અને તે સમયના મુઘલ શાસક શાહજહાં દ્વારા આ મિલકતને હસ્તગત કરવામાં આવી હતી. દિયા કુમારીએ કહ્યું કે, તે સમયે દેશમાં મુઘલોનું શાસન હતું અને કોઈ અપીલને સાંભળવામાં નહોતી આવતી.
સાંસદ દિયા કુમારીએ તાજમહેલના બંધ ઓરડાઓ ખોલવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, એવું કરવું જોઈએ જેથી જાણી શકાય કે ત્યાં શું હતું? દિયાએ કહ્યું કે, તાજમહેલ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો જયપુરના પૂર્વ શાહી પરિવારના પોથી ખાનામાં સુરક્ષિત છે અને જો કોઈ કોર્ટ તેમને આ દસ્તાવેજો આપવાનું કહેશે તો અમે તેમને રજૂ કરીશું. અમે આ માટે તૈયાર છીએ.
શું તાજમહેલ હિંદુ મંદિર હતું?
શું તાજમહેલ હિંદુ મંદિર હતું? આ સવાલના જવાબમાં દિયાએ કહ્યું કે, તેમણે હજુ સુધી સંપૂર્ણ દસ્તાવેજો જોયા નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે તાજમહેલ જયપુરના રાજવી પરિવારની સંપત્તિ હતી. આ ઉપરાંત દિયા કુમારીએ તાજમહેલની અંદરના બંધ ઓરડાઓ ખોલીને તેની તપાસ કરાવવાની પણ વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે જે દસ્તાવેજો છે તે મુજબ તે જમીન પર પહેલાં એક મહેલ હતો. શાહજહાંએ તે મહેલ કબજે કર્યો હતો. એ કબજાના બદલામાં રાજવી પરિવારને થોડું વળતર પણ આપવામાં આવ્યું હતું. પરંતુ, તે સમયે એવો કોઈ કાયદો નહોતો કે જેના આધારે તમે મુઘલ શાસનના તે નિર્ણય સામે અપીલ કરી શકો.
શું છે તાજમહેલ વિવાદ?
બીજેપી નેતા ડૉ. રજનીશે આગ્રામાં બનેલા તાજમહેલને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે લાંબા સમયથી બંધ રહેલા તાજમહેલના 22 ઓરડાઓ ખોલીને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) પાસે સર્વે કરાવવાની માંગ કરી છે. ડૉ. રજનીશનું કહેવું છે કે, તાજમહેલમાં હિંદુ દેવી-દેવતાઓના શિલ્પો અને શિલાલેખો હોઈ શકે છે. જો સર્વે કરવામાં આવશે તો ખબર પડશે કે તાજમહેલમાં હિન્દુ મૂર્તિઓ અને શિલાલેખો છે કે નહીં?