Tomato : હવે તમે પણ નક્કી કરી શકશો ટામેટાના ભાવ, મોદી સરકારનો ગજબનો પ્લાન
સરકારે ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ટામેટાંની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ખેડૂતોને તેમના ઉત્પાદનના વળતરયુક્ત ભાવ મેળવવામાં મદદ કરવા માટે અભિપ્રાય માંગ્યો છે.
Tomato Grand Challenge Hackathon: ટામેટા દેશવાસીઓને રાતા પાણીએ રડાવી રહ્યાં છે. ટામેટાના ભાવ અચાનક લાલઘુમ થઈને આસમાને પહોંચી ગયા છે. ઘણા શહેરોમાં ટામેટાંના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુ થઈ ગયા છે કે જે પેટ્રોલ અને ડિઝલ કરતા યે મોંઘા થઈ ગયા છે. ટામેટાના ભાવ વધારા બાદ કેન્દ્રએ 'ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ' (TGC) હેકાથોનની જાહેરાત કરી હતી. જ્યાં ટામેટાંની કિંમત ઘટાડવા માટે લોકો પાસેથી આઈડિયા માંગવામાં આવ્યા છે. ટામેટાંના સ્ટોરેજ અને કિંમત અંગે હેકાથોનમાં વિદ્યાર્થીઓથી લઈને ઉદ્યોગ સુધીના વિચારો આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્રની મોદી સરકારે ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ટામેટાંની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ખેડૂતોને તેમના ઉત્પાદનના વળતરયુક્ત ભાવ મેળવવામાં મદદ કરવા માટે અભિપ્રાય માંગ્યો છે. ટામેટા ઉત્પાદકોનું કહેવું છે કે, વેપારીઓ ટામેટા ખરીદવામાં રસ ન દાખવતા હોવાને કારણે તેઓ તેમની ઉપજ દિલ્હી, દેહરાદૂન, સહારનપુર, ચંદીગઢ, હરિદ્વાર અને પડોશી રાજ્યોના અન્ય શહેરોમાં પોતપોતાના ભાવે વેચવા મજબૂર છે. જેથી ટામેટાનો સંગ્રહ થાય છે અને ભાવ અચાનક જ આસમાને પહોંચી જાય છે.
ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ હેકાથોનમાં કોણ ભાગ લઈ શકે છે?
આ હેકાથોન ઉપભોક્તા બાબતોના વિભાગ દ્વારા શિક્ષણ મંત્રાલયના સહયોગથી તૈયાર કરવામાં આવી છે અને તેની જાહેરાત ગ્રાહક બાબતોના વિભાગના સચિવ રોહિત કુમાર સિંઘ દ્વારા કરવામાં આવી હતી. હેકાથોનમાં બે પ્રકારની એન્ટ્રી હશે. પ્રથમ વિદ્યાર્થીઓ, સંશોધન વિદ્વાનો અને ફેકલ્ટી સભ્યો માટે અને બીજું ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટ-અપ્સ, MSME, મર્યાદિત જવાબદારી ભાગીદારી અને વ્યાવસાયિકો માટે હશે.
ક્યાં કરી શકાય અરજી?
સરકારે કહ્યું હતું કે, તમામ વિજેતા વિચારોનું પહેલા નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ પ્રોટોટાઈપ બનાવવામાં આવશે અને તેને અમલમાં મૂકવામાં આવશે. ત્યાર બાદ આ વિચારોનો વધુ સારી રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જોવામાં આવશે. લાયક સહભાગીઓ હેકાથોન માટે સત્તાવાર સરકારી પોર્ટલ :https://doca.gov.in/gtc/index.php પર અરજી કરી શકે છે.
મુખ્ય શહેરોમાં શું છે ટામેટાના ભાવ?
ટમેટાની છૂટક કિંમત દિલ્હીમાં 80 રૂપિયા પ્રતિ કિલો, મુંબઈમાં 48 રૂપિયા, કોલકાતામાં 105 રૂપિયા અને ચેન્નાઈમાં 88 રૂપિયા પ્રતિ કિલો છે. ભોપાલ અને લખનૌમાં 100 પ્રતિ કિલો, શિમલામાં 80 રૂપિયા પ્રતિ કિલો, ભુવનેશ્વરમાં 98 રૂપિયા પ્રતિ કિલો અને રાયપુરમાં 99 રૂપિયા પ્રતિ કિલો છે.