Train Accident: મુંબઇમાં મોટી ટ્રેન દૂર્ઘટના, ચાલતી ગાડીમાંથી 10-12 લોકો નીચે પડ્યા
Mumbai Train Accident: પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં ભરચક મુસાફરો હતા અને ઘણા મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા

Mumbai Train Accident: સોમવારે સવારે 9:30 વાગ્યે થાણેના મુમ્બ્રા રેલ્વે સ્ટેશન નજીક મુમ્બ્રા-દિવા રેલવે લાઇન પર એક દુ:ખદ અકસ્માત થયો હતો, જેમાં CSMT તરફ જતી એક ઝડપી લોકલ ટ્રેનમાંથી 10 થી 12 મુસાફરો પાટા પર પડી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મુસાફરો લોકલ ટ્રેનમાંથી પડ્યા હતા કે પુષ્પક એક્સપ્રેસમાંથી તે સ્પષ્ટ નથી. કારણ કે અકસ્માત સમયે બંને ટ્રેનો ત્યાંથી પસાર થઈ રહી હતી. બંનેમાં મુસાફરોની ભારે ભીડ હતી. પ્રારંભિક તપાસમાં વધુ પડતી ભીડને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં ભરચક મુસાફરો હતા અને ઘણા મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા, જેના કારણે આ અકસ્માત થયો. રેલ્વે પોલીસ (GRP) અને સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું. ઘાયલોને થાણે સિવિલ હોસ્પિટલ અને કલ્યાણની ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા. કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, પરંતુ હજુ સુધી કોઈના મૃત્યુની પુષ્ટિ થઈ નથી. રેલવે વહીવટીતંત્રે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે.
Maharashtra | Some passengers travelling towards CSMT fell from the train at Thane's Mumbra railway station. The reason for the accident is believed to be excessive crowd in the train. The railway administration and police have reached the spot. The injured are being taken… pic.twitter.com/UMBq41jcvm
— ANI (@ANI) June 9, 2025
આ અકસ્માતને કારણે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી અને મુમ્બ્રા-દિવા સેક્શન પર થોડા સમય માટે કામગીરી ધીમી પડી હતી, જેના કારણે મુસાફરોને અગવડ પડી હતી. રેલ્વેએ ટૂંક સમયમાં સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે પગલાં લીધાં. મુંબઈની લોકલ ટ્રેનોમાં દરરોજ 80 લાખ મુસાફરો મુસાફરી કરે છે.





















