મહારાષ્ટ્રઃ પાલઘરમાં સેનિટાઇઝર-હેન્ડવોશ બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ, બે લોકોના મોત
મહારાષ્ટ્રના પાલઘરમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે.
પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘરમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. ફેકટરીમાં સેનિટાઇઝર અને હેન્ડવોશ બનાવવાનું કામ ચાલુ હતુ ત્યારે આ દુર્ઘટના બની હતી. બપોરે 11.30 કલાકની આસપાસ બનેલી ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે.
વિસ્ફોટ થયો ત્યારે કંપનીની અંદર 60થી વધારે કર્મચારીઓ કામ કરતા હતા. હાલ લીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, પાલઘરના તારાપુર સ્થિત કેમિકલ ફેક્ટરીમાં સોમાવારે ધડાકો થયો હતો. આ ફેક્ટરીમાં સેનિટાઇઝર અને હેન્ડવોશ માટે કાચો માલ બનાવવામાં આવ્યો હતો.
ફેકટરી માલિકો કાચો માલ બનાવવા માટે અધિકારીઓ પાસેથી મંજૂરી લીધી હતી. બપોરે ધડાકો થયા બાદ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને થોડીવારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ધડાકો કઈ રીતે થયો તેનું કારણ જાણી શકાયું નથી.
કોરોના વાયરસના કારણે દેશભરમાં સેનિટાઈઝર અને હેન્ડવોશની ડિમાન્ડ વધી ગઈ છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે છે.