Jammu Kashmir: કાશ્મીરમાં આતંકીઓનો સફાયો, કુપવાડા અને કુલગામમાં એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 2 આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના કુલગામ (Kulgam) ના ડીએચ પોરા વિસ્તારમાં આતંકીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ(Encounter) ચાલુ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે પોલીસ અને સેના સંયુક્ત રીતે ઓપરેશનમાં છે.
Jammu Kashmir Encounter: જમ્મુ કાશ્મીરના કુલગામ (Kulgam) ના ડીએચ પોરા વિસ્તારમાં આતંકીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ(Encounter) ચાલુ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે પોલીસ અને સેના સંયુક્ત રીતે ઓપરેશનમાં છે. અગાઉ, કુપવાડા પોલીસે લોલાબ વિસ્તારમાં સેના સાથે સંયુક્ત આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આતંકવાદી શૌકત અહેમદ શેખ પાસેથી મળેલી માહિતીના આધારે, સુરક્ષા દળો દ્વારા કુપવાડાના લોલાબ વિસ્તારમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર થયું હતું.
કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું કે વિવિધ સ્થળોની શોધ દરમિયાન, ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો, જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો અને આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા. પોલીસે જણાવ્યું કે પકડાયેલ આતંકવાદી પણ ફસાઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.
આતંકવાદીની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે કરવામાં આવી છે
પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર) વિજય કુમારના જણાવ્યા અનુસાર, ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદી સાથે, આ ચાલુ એન્કાઉન્ટરમાં વધુ બે-ત્રણ આતંકવાદીઓ ફસાયા છે. અત્યારે અથડામણ ચાલી રહી છે.
ખીણમાં સતત એન્કાઉન્ટરો
ત્રણ દિવસ પહેલા સુરક્ષા દળોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. અનંતનાગ જિલ્લાના હંગલગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. IGP વિજય કુમારે કહ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ મુજાહિદ્દીનના જુનૈદ અને બાસિત ભટ તરીકે થઈ છે. આતંકવાદી બાસિત ગયા વર્ષે અનંતનાગમાં ભાજપના સરપંચ રસૂલ ડાર, તેની પત્ની અને એક પંચની હત્યામાં સામેલ હતો. આ પહેલા કુલગામના મીશીપુરા વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. કુલગામના મિશીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું.
અત્યાર સુધીમાં સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા છે
બુધવારે, શોપિયાં જિલ્લાના કાંજીયુલર ખાતે સુરક્ષા દળો (Security Forces) સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાંથી બેંક મેનેજર હત્યામાં સામેલ હતો. તમને જણાવી દઈએ કે સુરક્ષા દળોએ ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ ચલાવ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સેંકડો આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.