એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, અત્યાર સુધીમાં એમપોક્સના કુલ 102,997 કેસ નોંધાયા છે
દિલ્હીમાં એમપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ આ એડવાઈઝરી જાહેર કરી છે. એરપોર્ટ પર પણ તકેદારી વધારવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવશે.
Union Health Secretary Apurva Chandra issues advisory to States/UTs in view of WHO's declaration of Public Health Emergency of International Concern (PHEIC) related to Mpox pic.twitter.com/tQIXg2V2Ix
— ANI (@ANI) September 9, 2024
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એમપોક્સના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા, ચેપની પુષ્ટી થાય તો તેમને આઇસોલેટ કરવા અને ચેપનું જોખમ ઘટાડવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરવા સલાહ આપી છે.
શું કહ્યું હતું એડવાઈઝરીમાં?
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું હતું કે NIV પુણેની તપાસમાં એક પણ પુષ્ટી થયેલ કેસ બહાર આવ્યો નથી. એરપોર્ટ પર શંકાસ્પદ દર્દીઓ જોવા મળે તો તાત્કાલિક આરોગ્ય તપાસ કરાવવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય એઇડ્સ નિયંત્રણ સમિતિઓને પણ MPOX અંગે જાગૃતિ વધારવા માટે અપીલ કરવામાં આવી છે. એડવાઈઝરીમાં શંકાસ્પદ અને કન્ફર્મ કેસના કિસ્સામાં આઈસોલેશનની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ દર્દીનું કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દિલ્હીમાં પ્રથમ શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. હાલ તેમની હાલત સ્થિર છે. તેના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. એમપોક્સ અગાઉ મંકીપોક્સ તરીકે ઓળખાતું હતું. આ વાયરસે છેલ્લા ઘણા સમયથી આફ્રિકાના કેટલાક દેશોમાં તબાહી મચાવી છે. પરંતુ 2022 માં આ વાયરસ વૈશ્વિક ચિંતા તરીકે ઉભરી આવ્યો. આ પછી MPOX ને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે.
એમપોક્સના કારણે અત્યાર સુધીમાં 223 લોકોના મોત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, અત્યાર સુધીમાં એમપોક્સના કુલ 102,997 કેસ નોંધાયા છે. 223 લોકોના મોત થયા છે. આમાંથી અડધાથી વધુ કેસો આફ્રિકન દેશોના હતા.
ભારતમાં પણ મંકીપોક્સની એન્ટ્રી! વિદેશથી પરત આવેલા વ્યક્તિમાં લક્ષણો મળ્યા, આઈસોલેટ કરવામાં આવ્યો