UP સહિત ચાર રાજ્યોમાં સરકાર રચવા માટે PM મોદીની બેઠક, જાણો કોણ હાજર રહ્યું
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય નેતાઓ હાજર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં ચાર રાજ્યોમાં સરકાર રચવા અંગે ચર્ચા ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશઃ
ઉત્તર પ્રદેશમાં 24 માર્ચે બીજેપી ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં યોગી આદિત્યનાથને ધારાસભ્ય દળના નેતા તરીકે ઔપચારિક રીતે પસંદ કરવામાં આવશે. યોગી આદિત્યનાથનો શપથ ગ્રહણ કાર્યક્રમ 25 માર્ચે લખનૌના શહીદ પથ પર આવેલા ઈકાના સ્ટેડિયમમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
ઉત્તરાખંડઃ
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ હશે તેને જવાબ સોમવારે દેહરાદૂનમાં યોજાનારી બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં મળશે. હાલના કાર્યકારી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે. મુખ્યમંત્રીને લઈને રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ભાજપના વરિષ્ઠ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા, સંગઠન મહાસચિવ બી.એલ સંતોષ અને રાજ્યના કેન્દ્રીય ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશી હાજર હતા. આ નેતાઓએ ધામી, પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક, પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, વરિષ્ઠ નેતા સતપાલ મહારાજ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સાથે ભાવિ મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરી.
ઉત્તરાખંડમાં ભાજપને જંગી બહુમતી મળી હતી પરંતુ મુખ્યપ્રધાન ધામીને ખાટીમા સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવા સંજોગોમાં સરકારનું નેતૃત્વ કોણ કરશે તેને લઈને જન્મેલી શંકાઓને દૂર કરવા માટે ભાજપમાં ટોચના સ્તરે બેઠકોનો દોર શરૂ થયો હતો, જે હજી પણ સતત ચાલુ છે.
ગોવાઃ
સોમવારે ગોવામાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે. આ બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવશે અને શપથ ગ્રહણ કાર્યક્રમની તારીખ પણ નક્કી કરવામાં આવશે. કાર્યકારી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ માહિતી આપી હતી. ગોવાના મુખ્યમંત્રી પદ માટે પ્રમોદ સાવંત અને વિશ્વજીત રાણેને મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
મણિપુરઃ
મણિપુરમાં મુખ્યમંત્રીને લઈને થઈ રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. આજે મળેલી બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં એન. બિરેન સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બિરેન સિંહ સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણ અને સહ-નિરીક્ષક કિરેન રિજિજુ ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા.