BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ
ઉત્તર પ્રદેશના રાજકીય વાતાવરણમાં સતત ગરમાવો આવી રહ્યો છે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે.
Uttar Pradesh Assembly Election 2022: ઉત્તર પ્રદેશના રાજકીય વાતાવરણમાં સતત ગરમાવો આવી રહ્યો છે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં વધુ 45 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે આ યાદી ટ્વિટર પર શેર કરી છે.
જાહેર કરાયેલી નવી યાદીમાં અમેઠીથી સંજય સિંહ, સુલતાનપુરથી વિનોદ સિંહ, અલ્હાબાદ ઉત્તરથી હર્ષ વાજપેયીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ બારાબંકીથી ડો.રામકુમારી મૌર્ય, કોરાંવથી રાજમણિ કૌલ, ટાંડાથી કપિલ દેવ વર્માને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત આલવપુરથી ત્રિવેણી રામ, અકબરપુરથી ધર્મરાજ નિષાદ, પડરૌનાથી મનીષ જયસ્વાલ, સલેમપુરથી વિજયાલક્ષ્મી ગૌતમ, ફુલપુર પવઈથી રામસુરત રાજભર, ઘોસીથી વિજય રાજભરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભાજપે બલિયા નગરથી દયાશંકર સિંહ, ગાઝીપુરથી સંગીત બળવંત બિંદ, મુહમ્દાબાદથી અલકા રાય, વારાણસી ઉત્તરથી રવિન્દ્ર જયસ્વાલ, વારાણસી દક્ષિણથી નીલકંઠ તિવારીને, વારાણસી કેન્ટથી સૌરભ શ્રીવાસ્તવને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ભદોહીથી રવીન્દ્ર ત્રિપાઠી, મિર્ઝાપુરથી રત્નાકર મિશ્રા, મદિહાનથી રમાશંકર પટેલને ટિકિટ આપવામાં આવી છે.
ચૂંટણી પ્રચાર માટે રોડ શો અને રેલીઓ પર પ્રતિબંધ યથાવત, ચૂંટણી પંચે લીધો નિર્ણય
પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં કોરોનાના કારણે પ્રચાર પર ઘણા પ્રતિબંધો હતા. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા ચૂંટણી પંચે પ્રતિબંધો હળવા કર્યા છે. ચૂંટણી પંચ દ્ધારા ઇન્ડોર અને આઉટડોર રેલીઓમાં છૂટ આપવામાં આવી છે. ચૂંટણી દરમિયાન પ્રથમ તબક્કાના મતદાન પહેલા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. ચૂંટણી પંચે ઇન્ડોર રેલીમાં સ્થળના 50 ટકાની ક્ષમતા અને આઉટડોર રેલીમાં સ્થળની ક્ષમતાના 30 ટકા લોકોની મંજૂરી આપી હતી. જો કે પદયાત્રા, રોડ શો અને વાહન રેલી પર પ્રતિબંધ ચાલુ રહેશે. નેતાઓ 20 વ્યક્તિઓની મર્યાદા સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે.
નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલની સરખામણીમાં 16 ટકા ઓછા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 865 લોકોના મોત પણ થયા છે જેના કારણે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 5 લાખ 01 હજાર 979 થઈ ગઈ છે.