UP: કાસગંજમાં 3 ભાઈઓના ઘરમાં છેલ્લા 8 દિવસમાં 150 વખત રહસ્યમયી આગ લાગી, ફાયરની ગાડી પણ થઈ જાય છે ખરાબ
યપુર પટના ગામમાં છેલ્લા 8 દિવસથી એક જ પરિવારના ત્રણ ઘરોમાં સતત આગ લાગવાનો સિલસિલો યથાવત છે. આ આગ 8 દિવસમાં 150 વખત લાગી ચુકી છે.
Mysterious Fire in Kasganj: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના સોરોં બ્લોકમાં અસામાન્ય ઘટના સામે આવી છે. રાયપુર પટના ગામમાં છેલ્લા 8 દિવસથી એક જ પરિવારના ત્રણ ઘરોમાં સતત આગ લાગવાનો સિલસિલો યથાવત છે. આ આગ 8 દિવસમાં 150 વખત લાગી ચુકી છે. આગનું તાંડવ એવું છે કે ઘરમાં રાખેલ ઘરવખરી, કપડાં, સામાન, વગેરેમાં આપોઆપ આગ લાગી જાય છે. આટલું જ નહી આ રહસ્યમયી આગમાં ગઈકાલે 7 મિનીટમાં 11 વિઘા ઘઉંનો પાક પણ આગમાં હોમાઈ ગયો હતો.
ગામમાં દહેશતનો માહોલઃ
આ પ્રકારની રહસ્યમયી આગની ઘટનાથી ગામમાં દહેશતનો માહોલ છે. ગાંવમાં રહેતા આ ત્રણેય ભાઈ રુપસિંહ, કન્હાઈ પાલ અને વિજેંદ્ર છેલ્લા 8 દિવસથી આ આગ સામે લડી રહ્યા છે. આગ લાગવાનો આ સિલસિલો 2 એપ્રિલથી શરુ થયો છે. સૌથી પહેલાં કન્હાઈ પાલના ઘરમાં આગ લાગી હતી. કન્હાઈ પાલે જણાવ્યા અનુસાર, તેઓ સાંજે ઘરના છાપરા ઉપર હતા ત્યારે અચાનક ઘરમાં આગ લાગી હતી. નીચે આવીને જોતાં કપડામાં આગ લાગેલી હતી. પાણીનો મારો ચલાવીને આ આગ પર કાબૂ મેળવાઈ ગયો હતો. જો કે થોડી મિનીટો સમય બાદ કન્હાઈ પાલના ભાઈ વિજેંદ્રના ઘરમાં બેડ સળગવા લાગ્યો હતો. આ બાદ સતત ત્રણેય ભાઈના ઘરોમાં કોઈને કોઈ જગ્યાએ આગ લાગી રહી છે.
ગામમાં જ ફાયરની ગાડી તૈનાત કરાઈઃ
છેલ્લા 8 દિવસથી લાગી રહેલી આગના કારણે ગામમાં જ ફાયર બ્રિગેડની ગાડી તૈનાત કરવાઈ છે. હાલ ગામના લોકો આ આગના રહસ્યની શોધમાં લાગ્યા છે અને ધ્યાન રાખી રહ્યા છે કે આ આગનું રહસ્ય શું છે. આ ઘટનાની જાણ કલેક્ટરને થતાં કલેક્ટરે લેખપાલને આ ઘટનાની તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. જો કે, ફાયર બ્રિગેડના અધિકારીઓ હજી સુધી આ રહસ્યમયી આગનું કારણ નથી જાણી શક્યા.
બીજા ખેતરોમાં આગ ના લાગીઃ
આગનું રૌદ્ર સ્વરુપ એ સમયે જોવા મળ્યું જ્યારે ગયા ગુરુવારે બપોરે 2.30 વાગ્યે અચાનક વિજેન્દ્રના 11 વિઘાના ખેતરમાં ઉભેલા ઘઉંનો પાક 7 મિનીટમાં જ બળીને ખાખ થઈ ગયો. ગામ લોકોનું કહેવું છે કે, જે ફાયર બ્રિગેડની ગાડીને ગામમાં જ તૈનાત કરવામાં આવી હતી તે ગાડી ખેતરમાં આગ લાગી ત્યારે જ ચાલુ ના થઈ અને ગાડીનું એંજીન જામ થઈ ગયું. ધક્કા મારીને ગાડીને સ્ટાર્ટ કરી તો પાણીનું પ્રેશર ના સેટ થયું. આ દરમિયાન વિજેન્દ્રના ખેતરમાં 11 વિઘા ઘઉં આગમાં હોમાઈ ગયા હતા. જો કે આ આગ બીજા કોઈ ખેતરમાં નહોતી પ્રસરી.
આગનું કારણ શોધવા તંત્ર દોડતું થયુંઃ
આજે કાસગંજના કલેક્ટર હર્ષિતા માથુર અને એસપી રોહન બોત્રેએ આ ગામની મુલાકાત લીધી અને પીડિત પરિવાર પાસેથી સમગ્ર માહિતી મેળવી હતી. કાસગંજના કલેક્ટર હર્ષિતા માથુરે જણાવ્યું કે, તંત્ર દ્વારા પરિવારને જે પણ આર્થિક મદદ થઈ શકે તે કરવામાં આવશે. સાથે જ આગની ઘટનાઓ પર નિયંત્રણ માટે ફોરન્સિક ટીમે પણ આગ લાગેલા સ્થળો પરથી નમૂના લીધા છે. આગની ઘટનાઓની તપાસ કરીને સ્પષ્ટ થશે કે શા માટે આ ત્રણેય પરિવારના ઘરોમાં આગ લાગી રહી છે.