ભારતે કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા, શું પાકિસ્તાને રાફેલને નિશાન બનાવ્યું? આર્મીએ આપ્યા તમામ સવાલના જવાબ
પાકિસ્તાન સાથેની સરહદ પર યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે પરંતુ ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે

પાકિસ્તાન સાથેની સરહદ પર યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે પરંતુ ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. રવિવારે ત્રણેય સેનાના ડીજી ઓપરેશન્સ દ્વારા એક વિગતવાર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન, ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતાં સેનાએ કહ્યું કે અમે અમારું લક્ષ્ય અને ઉદ્દેશ્ય પ્રાપ્ત કર્યું છે અને પહલગામના પીડિતોને ન્યાય મળ્યો છે.
'અમારા બધા પાયલટ્સ સુરક્ષિત પાછા ફર્યા'
ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DGAO) એકે ભારતીએ જણાવ્યું હતું કે અમારા બધા પાયલટ્સ સુરક્ષિત છે અને અમે બધા લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે. વાસ્તવમાં પાકિસ્તાન ભારતીય પાયલોટને પકડવાનો અને રાફેલ જેટને તોડી પાડવાનો દાવો કરી રહ્યું હતું, પરંતુ વાયુસેનાએ આવા કોઈપણ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
ડીજીએમઓએ ઓપરેશન સિંદૂર શું બોલ્યા
ડીજીએઓ એકે ભારતીએ કહ્યું કે ભારતે કોઈપણ પાકિસ્તાની વિમાનને તેના ક્ષેત્રમાં પ્રવેશવા દીધું નથી અને તેથી જ કોઈ કાટમાળ મળ્યો નથી. એ વાત સાચી છે કે અમે કેટલાક પાકિસ્તાની ફાઇટર જેટ અને ડ્રોનને તોડી પાડ્યા છે, પરંતુ અત્યારે તેમનો આંકડો આપવો યોગ્ય નથી. કેટલાક અહેવાલોમાં એવું બહાર આવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હતા, જોકે વાયુસેનાએ કોઈ ચોક્કસ વિમાનનું નામ આપ્યું નથી.
'પાકિસ્તાની એરબેઝને ભારે નુકસાન થયું'
જ્યારે એર માર્શલ એકે ભારતીને પૂછવામાં આવ્યું કે કેટલા પાકિસ્તાની વિમાનોને તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે તેમણે કહ્યું, 'અમે અહીં અનુમાન લગાવવા માંગતા નથી, મારી પાસે આંકડા છે અને અમે હાલમાં તેની પુષ્ટી કરવા માટે તકનીકી વિગતો મેળવી રહ્યા છીએ.' આ કારણોસર તાત્કાલિક કોઈ આંકડા આપવાનો આ યોગ્ય સમય નથી.
એર માર્શલ એકે ભારતીએ જણાવ્યું હતું કે આ હુમલો એક ચોક્કસ અને સંયમિત બદલો હતો જેમાં પાકિસ્તાનના મહત્વપૂર્ણ લશ્કરી સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો. આમાં પશ્ચિમી મોરચા પર એરબેઝ, કમાન્ડ સેન્ટર, લશ્કરી માળખાગત સુવિધાઓ અને એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે. અમે જે સ્થળોને લક્ષ્ય બનાવ્યા છે તેમાં ચકલાલા અને રફીકી એરબેઝનો સમાવેશ થાય છે.
'100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા'
ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે ભારતીય સેનાનો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો અને અમે પાકિસ્તાનમાં ચાર અને પીઓકેમાં પાંચ સ્થળોને નિશાન બનાવ્યા છે. આ લશ્કરી કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક અને મુદાસિર અહેમદ જેવા આતંકવાદીઓનો સમાવેશ થાય છે, જેઓ કંદહાર હાઇજેકિંગ અને પુલવામા હુમલામાં સામેલ હતા.
પાકિસ્તાનના ઘણા એરબેઝનો નાશ થયો
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ સેનાએ કુલ 21 આતંકવાદી ઠેકાણાઓ ઓળખી કાઢ્યા છે, તો શું ભવિષ્યમાં પણ આતંકવાદીઓ પર લશ્કરી હુમલો ચાલુ રહેશે? આના જવાબમાં ડીજીએમઓ રાજીવ ઘઈએ કહ્યું કે આતંકવાદીઓના ઠેકાણાઓની ઓળખ કરતી વખતે અમે ઘણા આતંકવાદી છાવણીઓની ઓળખ કરી હતી. આપણે કદાચ 21 બતાવ્યા હશે, હજુ વધુ છે. પરંતુ ફિલ્ટર કર્યા પછી યાદી 21 પર પહોંચી ગઈ છે. જરૂર પડશે તો બાકીના સ્થળોએ પણ કાર્યવાહી કરવામાં આવશે.





















