શોધખોળ કરો
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુસ્લિમ પક્ષો પાસે બચ્યા છે આ બે વિકલ્પ
અયોધ્યાની રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર 70 વર્ષો બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે.

નવી દિલ્હીઃઅયોધ્યાની રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર 70 વર્ષો બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 2.77 એકર વિવાદીત જમીન રામલલ્લાને સોંપવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન અન્ય સ્થળે આપવાનો પણ આદેશ આપ્યો છે. ટોચની અદાલતની પાંચ જજોની બેન્ચે સર્વસંમતિથી નિર્ણય આપતા કહ્યુ કે, હિંદુઓની રામ જન્મભૂમિની આસ્થા હેઠળ સાબિત થઇ છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામાન્ય રીતે અંતિમ માનવામાં આવે છે તેમ છતાં મુસ્લિમ પક્ષો પાસે કાયદાકીય વિકલ્પ બચ્યા છે. કેસમાં અસંતુષ્ઠ પક્ષ ચુકાદાના 30 દિવસની અંદર રિવ્ચૂ પિટિશન દાખલ કરી શકે છે. એટલું જ નહી આજે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર કોઇ પક્ષને અસહમતિ હોય તો તે ટોચની અદાલતમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી શકે છે. ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે 30 દિવસનો સમય મળે છે. નિર્ણય પર રિવ્યૂ પિટિશન અરજી દાખલ કરનારી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં એ સાબિત કરવું પડે છે કે તેના નિર્ણયમાં શું ખામી છે. નોંધનીય છે કે રિવ્યૂ પિટિશન દરમિયાન વકીલો તરફથી દલીલ આપવામાં આવતી નથી. અગાઉના ચુકાદાની ફાઇલો અને રેકોર્ડ્સ પર વિચાર કરવામાં આવે છે. જો સંબંધિત મામલામાં કોઇ પક્ષ રિવ્યૂ પિટિશનના ચુકાદાથી અસહમત હોય તો પછી તેમના તરફથી ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી શકાય છે. આ સુનાવણી દરમિયાન કેસના કોઇ તથ્ય પર વિચાર કરવામાં આવતો નથી પરંતુ કાયદાકીય બાબતો પર જ વિચાર કરી શકાય છે.
વધુ વાંચો





















