LokSabha: હજુ કોંગ્રેસ તુટે છે, ચૂંટણી પછી કેટલાક MLA આપશે રાજીનામા, 12માંથી 2 થઇ જશે -સીજે ચાવડાની ભવિષ્યવાણી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઇ રહી છે, ત્યારે વિજાપુર બેઠક પરના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ મોટુ નિવેદન આપ્યુ છે

Lok Sabha Election 2024: ગુજરાતમાં પૉલિટીકલ ડ્રામા ચરમ પર પહોંચ્યો છે, છેલ્લા છ મહિનાથી ગુજરાતમાં મોટાભાગના અને મોટા ગજાના કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસનો પંજો છોડી ચૂક્યા છે, અને વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. આ લિસ્ટમાં સીજે ચાવડાથી લઇને અંબરીશ ડેર અને અર્જૂન મોઢવાડિયા જેવા દિગ્ગજોના નામ સામેલ છે. હવે લોકસભાની સાથે સાથે ભાજપમાંથી વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહેલા સીજે ચાવડાએ મોટી ભવિષ્યવાણી કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. સીજે ચાવડાનું કહેવું છે કે, હજુ પણ કોંગ્રેસ તુટશે, અને કેટલાક ધારાસભ્યો રાજીનામુ આપશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઇ રહી છે, ત્યારે વિજાપુર બેઠક પરના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ મોટુ નિવેદન આપ્યુ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સીજે ચાવડાએ કહ્યું કે હજુ કોંગ્રેસ તુટશે, અને આગામી દિવસોમાં વધુ ધારાસભ્યો રાજીનામુ આપશે, જોકે, કોણ રાજીનામુ આપશે અને પછી ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે કોઇ વાત કહી નથી. વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાની મોટી ભવિષ્યવાણી છે કે, આ લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામું આપશે. ચૂંટણી પછી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના 12માંથી માત્ર 2 જ MLA જ રહે તેવી પુરેપુરી શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છે કે, સીજે ચાવડાએ તાજેતરમાં જ કોંગ્રેસ છોડી, અને બાદમાં ભાજપમાં જોડાયા છે. ભાજપે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં સીજે ચાવડાને ફરીથી વિજાપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનાવ્યા છે.
કોણ છે સી, જે ચાવડા
ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા... મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે... 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા.2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા.... કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ આજે કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
