Mehsana : કોરોનામાં મોત થયું હોવાનું કહીને પુત્રે પિતાની લાશ કરી નાંખી સગેવગે, પછી શું થયો મોટો ધડાકો? જાણીને લાગી જશે આંચકો
અમદાવાદમાં નવું મકાન બૂક કરાવ્યું હોવાથી પિતાને ભાલઠીવાળું મકાન વેચી દેવા કહ્યું હતું. આ બાબતે 10 દિવસથી પિતા-પુત્ર વચ્ચે તકરાર ચાલતી હતી.
મહેસાણાઃ કડીના કણઝરી ગામે પુત્રોએ પિતાની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં મકાન ખરીદવા નાણાંના ઝગડામાં બે પુત્રોએ પિતાની હત્યા કરી નાંખી હતી. પોતાનાં પિતાનું કોરોનાથી મોત થયું હોવાનું લોકોને કહી લાશને સગેવગે કરી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યા કરનાર પુત્રોની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, કડીના ભાલઠી ગામના હુસેનભાઈ કાસમભાઈ મલેક છેલ્લા 10 માસથી તેમની સાસરી કણજરી ખાતે બે પુત્રો સમીર અને સફિર સાથે રહે છે. પુત્ર સમીરે અમદાવાદમાં નવું મકાન બૂક કરાવ્યું હોવાથી પિતાને ભાલઠીવાળું મકાન વેચી દેવા કહ્યું હતું. આ બાબતે 10 દિવસથી પિતા-પુત્ર વચ્ચે તકરાર ચાલતી હતી. ગત 29 મેએ રાત્રે હુસેનભાઈએ કડીમાં રહેતા નાનાભાઈ સાબીરને ફોન કર્યો હતો. તેમજ પુત્ર સમીર ભાલઠીનું મકાન વેચવાનું કહે છે તેમ કહી પુત્રને ન વેચવા સમજાવવા કહ્યું હતું.
દરમીયાન, ગત 2 જૂને રાત્રે 2 વાગે સમીરે તેના કાકા સબીરભાઈને ફોન કરી તેના પપ્પા હુસેનભાઈનું કોરોનામાં નિધન થયું હોવાનું ઝણાવ્યું હતું. આથી સાબિરભાઈ અને અન્ય પરિવારના સભ્યો બીજા દિવસે કણજરી આવ્યા હતા. તેમને સમીર પર શંકા જતાં હુસેનભાઈની કોરોના રિપોર્ટની ફાઇલ માંગી અને ક્યાં દફનાવ્યા તેની પહોંચ માંગી હતી. આથી ભત્રીજા સમીરે ફાઇલ મિત્ર વિશાલ પાસે હોવાનું જણાવ્યું હતું. સબીરભાઈને શંકા જતાં વધુ પૂછતાં તેણે રિપોર્ટ અને ફાઇલ માટે કાલે આવજો. બીજી તરફ સમીરે બેસણું અને વિધિ પતાવી દીધી હતી.
બીજા દિવસે સમીરે કાકા સબીરભાઈ અને કુટુંબીઓને પંથોડા ફાઇલ પડી હોવાનું જણાવી ત્યાં લઈ ગયો હતો. જોકે, સબીરભાઈએ કડકાઇથી પૂછપરછ કરતાં તેણે સાચી હકિકત જણાવી દીધી હતી. બંને ભાઈઓએ પિતા હુસેનભાઈને મારી નાખ્યાનું કબૂલ્યું હતું. તેમણે કહ્યું કે, અમે નવું મકાન અમદાવાદમાં રાખેલું છે અને તેના પૈસા ભરવાના હતા અને પિતા આપતા નહોતા. ભાલઠીનું મકાન વેચવા કહ્યું પણ માનતા ન હતા. 31 મેની રાત્રે પિતા આંગણામાં સૂતા હતા ત્યારે માથામાં ઊંધું ધારિયું મારી ગળું દબાવી મારી નાખ્યા હતા, તેમજ લાશ રાત્રે જ બાઇક ઉપર લઇ થોળથી સેડફા ગામથી રડાર જવાના રસ્તે જેસીબીથી ખોદેલા ખાડામાં દાટી દીધી હતી.
આમ, બંને ભાઈઓએ હત્યા કરી હોવાનું કબૂલતા સાબીરભાઇએ બાવલુ પોલીસને જાણ કરતાં રવિવારે બાવલુ પીએસઆઈ એ.એન. દેસાઈએ ઘટના સ્થળે જઇ લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલી આપી હતી. તેમજ સમીર હુસેનભાઈ મલેક અને સફિર હુસેનભાઈ મલેકની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.