Rain: આજથી રાજ્યમાં ફરી વધશે મેઘરાજાનું જોર, આ આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
દેશના ઉત્તરથી દક્ષિણ સુધીના મોટાભાગના ભાગોમાં ઓગસ્ટની શરૂઆતથી ચોમાસું ફરી એકવાર સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ, આસામ, બંગાળ સહિતના વિવિધ રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે અને ઘણી જગ્યાએ ભારે વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગ (IMD) એ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આજે 8 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં થંડર સ્ટોર્મની ચેતવણી આપી છે. આ ઉપરાંત માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
8 ઓગસ્ટે ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે 9 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 10 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 68.41 ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ 86.70 ટકા વરસાદ ગુજરાતના કચ્છમાં, 82.53 ટકા દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 78.20 ટકા, ઉત્તર ગુજરાતમાં સીઝનના કુલ વરસાદના 51.14 ટકા અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં 49.29 ટકા વરસાદ નોંધાયો છે.
દેશની રાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો 8 ઓગસ્ટના રોજ સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે. હવામાનની આગાહી અનુસાર, દિલ્હીમાં 11 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 32 થી 33 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.