સૌરાષ્ટ્રના 186 ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ, પાણી ભરાઈ જવાથી 15 સ્ટેટ હાઈવે સહિત કુલ 136 રસ્તા બંધ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં 15 સ્ટેટ હાઈવે સહિત 136 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.
રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યૂ છે. જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં 15 સ્ટેટ હાઈવે સહિત 136 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના 186 ગામડાઓમાં વીજ પુરવઠો ઠપ્પ થયો છે.
24 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદથી સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં જળબંબાકાર થયા છે. રાજકોટ, જૂનાગઢ અને જામનગરના ગામોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ત્રણેય જિલ્લામાં NDRFની 15 ટીમને તૈનાત કરાઈ છે. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા છે. જામનગરના 30થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
સૌરાષ્ટ્રમાં શ્રીકાર મેઘવર્ષાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગરના કાલાવડમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. નદી-નાળા ઓવરફ્લો થતા જનજીવન પ્રભાવિત થયું છે. મોડીલા ગામમાં પણ સર્વત્ર જળબંબાકાર છે. ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. ત્યારે અત્યાર સુધી સિઝનનો 64.44 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 66.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા, મધ્યગુજરાતમાં 55.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 64.44 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદ થવાથી નવા નીરની આવક થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોનો ઉભો પાક વરસાદને કારણે બચી ગયો છે.
જામનગર, રાજકોટ અને જૂનાગઢના કેટલાક તાલુકાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા મેઘમહેર હવે મેઘકહેર બની ચૂક્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે લોકોએ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભારે રાજ્યના કેટલાક ભાગોમાં વિકટ સ્થિતિ સર્જાઈ છે.
જામનગર-રાજકોટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે જિલ્લામાં ગામના ગામ બેટમાં ફેરવાયા છે. કાલાવડમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં જામનગરમાં મૂશળધાર 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.