Rajkot: તો આ કારણે ડો વલ્લભ કથીરિયાએ એઈમ્સના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, પોતે જ કર્યો ધડાકો
રાજકોટ: ડો.વલ્લભ કથીરિયાએ રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા સમગ્ર રાજ્યમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. આખરે એવું તે શું બન્યું કે, સન્માન સમારોહ યોજાઈ તે પહેલા જ ડોક્ટર કથીરિયાએ રાજીનામું આપી દેવું પડ્યું
રાજકોટ: ડો.વલ્લભ કથીરિયાએ રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા સમગ્ર રાજ્યમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. આખરે એવું તે શું બન્યું કે, સન્માન સમારોહ યોજાઈ તે પહેલા જ ડોક્ટર કથીરિયાએ રાજીનામું આપી દેવું પડ્યું આ સવાલ દરેકના મનમાં ઉદભવી રહ્યા છે. હવે આ મામલે ડોક્ટર કથીરિયાએ જ મીડિયા સામે ખુલાસો કર્યો છે.
ડોક્ટર કથીરિયાએ જ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મંત્રાલયમાંથી મને ફોન આવ્યો ટેક્નિકલ રીતે રાજીનામું આપવાનું છે. હસતા હસતા ડો. કથીરિયાએ કહ્યું આગળ આગળ ગોરખ જાણે. તો બીજી તરફ ડો.વલ્લભ કથીરિયા મીડિયા સામે વધુ બોલવાનું ટાળ્યું હતું. પત્રકારોએ પૂછતા ડો.કથીરિયાએ કહ્યું કે,પ્રમુખ પદ મને આપવામાં આવ્યું હતું, માગ્યું ન હતું. જો કે, શું ટેકનિકલ કારણ છે તેની માહિતી હજુ બહાર આવી નથી.
વલ્લભ કથીરિયાએ રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું
રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી વલ્લભ કથીરિયાએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. કેંદ્રીય સચિવ અરૂણ કુમાર વિશ્વાસે રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે, થોડા સમયે પહેલા જ વલ્લભ કથિરીયાને આ જવાબદારી સોંપાઈ હતી. વલ્લભ કથીરિયાએ 18 ઓગસ્ટે ચાર્જ સંભાળ્યો હતો. ડૉ.વલ્લભ કથીરિયાના અચાનક રાજીનામાથી અનેક તર્ક-વિતર્ક સર્જયા છે. તેમને તાજેતરમાં પરાપીપળીયા ખાતે નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જો કે, તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, ડો.કથીરિયા અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ અને કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.
રાજકોટ ડો.વલ્લભ કથીરિયાના રાજીનામાનો મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર કથીરિયાના રાજીનામાને લઈને સૌરાષ્ટ્રભરમાં ખળભળાટ મચી ગયો છે. સાત દિવસ પહેલા જ તેમને એઇમ્સના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તો મળતી માહિતી પ્રમાણે ડો.વલ્લભ કથીરિયાને સન્માનિત કરવામાં આવે તે પૂર્વે જ તેના રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવ્યા! આ ઉપરાંત મીડિયા સુધી કેન્દ્રીય સચિવનો પત્ર પહોંચતો કરવામાં આવ્યો. રાજકોટની સરસ્વતી શિશુ વિદ્યામંદિર ખાતે શુક્રવારના રોજ છ થી સાત કલાકે તેમનો સન્માન સમારોહ યોજાવાનો હતો. કાર્યક્રમની પત્રિકા પણ વહેંચાઈ ચૂકી હતી. સન્માન સમારોહ શરૂ થવાના ગણતરીના કલાક પૂર્વે જ રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.