રાજ્યમાં નશાની હેરાફારીનો પર્દાફાશ, રાજકોટમાં 48 તો વલસાડમાં 56 કિલો ગાંજો ઝડપાયો
રાજકોટમાં વીંછિયાના પાટીયાળી ગામની વાડીમાંથી 3 ખેતરોમાં ગાંજાનો જથ્થો પકડાયો છે. રાજકોટ એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.
Cannabis in Gujarat: રાજ્યમાં ફરી એકવાર નશાની હેરાફેરી અને વાવેતરનો પર્દાફાશ થયો છે. રાજકોટ, વલસાડ અને ભાવનગરથી ગાંજો ઝડપાયો છે. રાજકોટમાં વીંછિયાના પાટીયાળી ગામની વાડીમાંથી 3 ખેતરોમાં ગાંજાનો જથ્થો પકડાયો છે. રાજકોટ એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. 48 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી છે. ધનજી કોળીએ 12 એકરમાં ગાંજાની ખેતી કર્યાનો આરોપ છે.
તો વલસાડમાં નશાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડુંગરી પોલીસને બાતમી મળી કે, વલસાડ હાઈવે પર પસાર થતી એક કારમાં ગાંજાનો જથ્થો છે. જે બાદ પોવીસે વોચ ગોઠવી હતી. જો કે ગાંજાની હેરાફેરી કરનાર વ્યક્તિને પોલીસની ગંધ આવી જતા સુરત તરફ કાર લઈને ભાગ્યો હતો. જે બાદ પોલીસે પીછો કર્યો પણ નશાના સોદાગરને ઝડપવામાં સફળતા ન મળી.
ગાંજો લઈને આવનાર શખ્સ જંગલ વિસ્તારનો લાભ લઈને કાર મુકી ફરાર થયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા 56 કિલો ગાંજો મળી આવ્યો છે. તો આ બાજુ ભાવનગર જિલ્લામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. જિલ્લાના પાલીતાણાનાં જાળિયા ગામમાં ગાંજાનું વાવેતર થયાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા કપાસની આડમાં ગાંજાની ખેતી મળી હતી. પોલીસે આ કેસમાં પંકજ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી છે.
ગાંજો એક પ્રકારનો નશો છે. ગાંજો વાસ્તવમાં કેનાબીસ સેટીવા નામના છોડના સૂકા ફૂલો, પાંદડા, દાંડી અને બીજનું લીલા-ભુરો મિશ્રણ છે. ગાંજાનું લાંબા સમય સુધી સેવન કરવાથી વ્યક્તિ તેનો વ્યસની બની જાય છે. હાલમાં, તેનું સેવન કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે તેમાં મોટાભાગના યુવાનો છે. યુવાનોને કોઈપણ દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ગાંજાના સતત સેવનથી શરીર પર ખરાબ અસર પડે છે અને ઘણી બીમારીઓને જન્મ આપે છે. તે મગજની ચેતાના વિકાસ અને કાર્યોને અસર કરે છે. આનાથી આપણી રોજિંદી પ્રવૃત્તિઓ પર અસર થવા લાગે છે અને આપણે સુસ્ત થઈ જઈએ છીએ.
કિશોરોમાં ગાંજાનું સેવન ખાસ કરીને ખતરનાક માનવામાં આવે છે કારણ કે કિશોરાવસ્થામાં તેમનું મગજ વિકાસ કરવાનું શરૂ કરે છે અને તેની તેમના મગજ પર ખરાબ અસર પડે છે અને મગજનો વિકાસ સરળતાથી થતો નથી. કિશોરાવસ્થાથી પુખ્તાવસ્થા સુધી મારિજુઆનાનું સતત સેવન IQ સ્તર ઘટાડી શકે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી તેનું સેવન કરે છે તો તેને શ્વાસ સંબંધી બીમારીઓ થઈ શકે છે અને તેની યાદશક્તિ પર અસર થઈ શકે છે. વ્યક્તિનું કામ, સામાજિક જીવન અને પરિવાર સાથેના સંબંધો પણ તેનાથી પ્રભાવિત થાય છે.