Rajkot: રાજકોટ જિલ્લામાં વરસાદથી ખેડૂતો પાયમાલ, મગફળીનો તૈયાર પાક સંપૂર્ણ નિષ્ફળ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રાજકોટ જિલ્લામાં ખેડૂતોને મોટાપ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રાજકોટ જિલ્લામાં ખેડૂતોને મોટાપ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાજકોટ જિલ્લાના લોધીકાના ગ્રામ્ય વિસ્તારો સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. રાજકોટ જિલ્લાના લોધીકા,કોટડા સાંગાણી,ગોંડલ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે પડધરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે પાંચથી છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
મગફળીનો તૈયાર પાક સંપૂર્ણ નિષ્ફળ
લોધીકા પંથકમાં ભારે વરસાદને કારણે મગફળીનો તૈયાર પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વરસાદ વેરી બન્યો છે. મગફળીના તૈયાર પાથરા પર સતત આઠ દિવસથી વરસાદ પડતા પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. મગફળી ઉપરાંત કપાસના અને સોયાબીનના તૈયાર પાકમાં પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. મગફળીમાંથી નીકળતો પશુઓ માટેનો ચારો ધૂળ થઈ ગયો છે. ખેડૂતોએ મગફળીનો પાક તૈયાર કર્યો અને વરસાદ આફત બનીને આવ્યો. ખેડૂતો પણ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ઘરવામા આવે તેવી માંગ કરી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી મગફળીને નુકસાન
અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળીના વાવેતર બાદ હાલ કાપણી સમયે જ વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, બગસરા, ખાંભા અને બાબરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પડતા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ખેતરોમાં મગફળીના પાથરા વરસાદથી પલળી જતા ખેડૂતો હાલ ઓપનર દ્વારા મગફળી કાઢવાની કામગીરીમાં લાગી ગયા છે. વાડી ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં મગફળીના પાથરા ધૂળ-ધાણી થયેલા જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદથી મગફળીનો પાક નષ્ટ થયો છે. વહેલી તકે સરકાર દ્વારા ટેકાનો ભાવ નક્કી કરીને ખેડૂતોને મુસીબતમાંથી ઉગારે તેવી લાગણીઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતે કરેલી 4 મહિનાની મહેનતમાં એક દિવસમાં પાણીમાં ફરી વળતા લાખોની નુકસાની થઈ છે.
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, રાજકોટના લોધિકામાં સૌથી વધુ પાંચ વરસાદ