શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ લાલધૂમ, ત્રણ શાક લઈ એટલે 500 ની નોટ જતી રહે છે
મંત્રી એવું કહી રહ્યા છે કે ટમેટા સિવાય બીજું બધું ખાધા જેવું લો, પરંતુ બીજા બધાના ભાવ પણ આસમાને છે. રાજકોટની મહિલાઓએ મંત્રી ઋષિકેશ પટેલને સણસણતો જવાબ આપ્યો છે.
Vegetable Price Hike: રાજકોટમાં ટમેટાના ભાવને લઈને ગૃહિણીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, ટમેટા વગર કોઈ શાક કે દાળ ન થઈ શકે. ટમેટા શાકભાજીમાં રાજા ગણવામાં આવે છે તે દરેક શાકમાં નાખવા જરૂરી છે.
મંત્રી એવું કહી રહ્યા છે કે ટમેટા સિવાય બીજું બધું ખાધા જેવું લો, પરંતુ બીજા બધાના ભાવ પણ આસમાને છે. રાજકોટની મહિલાઓએ મંત્રી ઋષિકેશ પટેલને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ટમેટા વગર ના ચાલે મંત્રીના ઘરે જમવા જઈએ તો થાય. પેટ્રોલ મોંઘુ, દરેક વસ્તુ મોંઘી અને ટમેટાના ભાવ તો આસમાને પહોંચ્યા છે. જૈન સમાજ હોય કે ગમે તે સમાજ ટમેટા વગર ના ચાલે. જૈન સમાજ ડુંગળી બટેટા ન ખાય તો ટમેટા વગર ચાલે તેમ નથી.
રાજકોટમાં ટમેટાનો ભાવ 180થી 200 રૂપિયા આસપાસ છે. જ્યારે સારા ટમેટા ખરીદવા જઈએ તો ભાવ 220 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યો છે. રાજકોટની બહેનોએ કહ્યું ત્રણ શાક લઈ એટલે 500 ની નોટ જતી રહે છે. શાકભાજીના ભાવ આટલા મોંઘા ક્યારેય જોયા ન હતા. દરેક શાક એટલું મોંઘું છે પરંતુ ટમેટાનો ભાવ તો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે.
ટામેટાના વધતા ભાવના કારણે લોકો પરેશાન છે તો બીજી તરફ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. ટામેટાના વધતા ભાવ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ટામેટા જ એક માત્ર ખાવાની ચીજ નથી. સમય બદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે. સપ્લાય વધશે ત્યારે ટામેટાના ભાવ નીચા આવશે.
ટામેટાના વધતા ભાવ મુદ્દે ઋષિકેશ પટેલના નિવેદનથી મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગૃહિણીઓએ કહ્યું હતું કે ટામેટા જ નહીં, અન્ય શાકભાજી પણ મોંઘા છે. તેઓએ સવાલ કર્યો હતો કે મંત્રી જવાબ આપે શું સસ્તું છે જેને ખાઈ શકીએ. મંત્રીને શું જાણકારી હોય કે રસોઈમાં શાની જરૂર હોય છે. મહિલાઓએ કહ્યું કે ટામેટાના વધુ ભાવ હોવાના કારણે અમારુ બજેટ બગડી ગયું છે. ભાવ વધારાથી મધ્યમવર્ગને ફટકો પડે છે.