રાજકોટમાં મહિલાની હત્યા પતિએ જ કરી હોવાનો ખુલાસો, કારણ જાણીને ચોંકી ઉઠશો
રાજકોટમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં પતિએ જ પત્નીની હત્યા કર્યાનો ખુલાસો થયો હતો

રાજકોટમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં પતિએ જ પત્નીની હત્યા કર્યાનો ખુલાસો થયો હતો. ભગવતીપરા વિસ્તારમાં ઘરથી 200 મીટર દૂર 33 વર્ષીય મહિલા સ્નેહાબેન આસોડીયાનો માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘરકંકાશથી કંટાળી પતિ હિતેશે જ પોતાની પત્નીનું લોખંડના સળિયાનો ઘા મારી મર્ડર કર્યાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. હત્યા બાદ આરોપી પતિએ એવી સ્ટોરી ઘડી કાઢી હતી કે પત્ની પાણીપુરી ખાવા ગઈ અને ઘરે પરત ફરી નથી.
શરૂઆતથી શંકાના દાયરામાં રહેલો પતિ ક્રાઈમ બ્રાન્ચની આગવી ઢબથી થઈ રહેલી પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને કબૂલાત આપી હતી કે, ત્રણ વર્ષ પહેલા સ્નેહા સાથે લગ્ન થયા હતા અને ત્યારબાદથી જ બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. શનિવારે સાંજના સમયે જ્યારે પત્નીનો કોલ આવ્યો ત્યારે પણ ઝઘડો કરતા પતિ રોષે ભરાઈ ગયો હતો અને કારખાનેથી જ લોખંડનો સળીયો લઈને નીકળ્યો હતો અને બહાર લઈ જવાના બહાને પત્નીને લઈ નીકળ્યો હતો. એક વિધિ કરાવવાનું કહીને ઘરેણા પત્નીના શરીર પાસેથી ઉતરાવી લીધા હતા. હાલ પોલીસે આરોપી હિતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે રાજકોટમાં હત્યાની પહેલી ઘટનામાં બેડી ચોકડી નજીક ભગવતીપરા વિસ્તારમાં સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયા (ઉંમર 33) નામની એક મહિલાનો મૃતદેહ માથું છૂંદેલી અને હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક મહિલા ભગવતીપરાની કોપરગ્રીન સોસાયટીમાં રહેતી હતી. મૃત્યુ પહેલાં તેમણે પોતાના પતિને પોતે પાણીપુરી ખાવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું અને ફેક્ટરીમાંથી પાછા આવતી વખતે તેમને સાથે લેતા જજો તેમ કહ્યું હતું.
મૃતક સ્નેહા આસોડિયા અને પતિ હિતેશ આસોડિયાના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. પતિએ ચાર ફૂટનો લોખંડનો સળિયો પત્નીના માથા અને મોઢાના ભાગે ઝીંકી હત્યા કરી હતી. પત્ની છેલ્લા એક દોઢ વર્ષથી પતિ સાથે દરરોજ માથાકૂટ કરતી હતી. પતિ પર પત્ની અવાર નવાર શંકા કરતી હતી. ઘટના સમયે પતિએ પત્નીને બહાર જવાનું કહીને બોલાવી હતી. બહાર જવાનું કહી તે સમયે પત્નીએ પતિ સાથે ગાળા ગાળી પણ કરી હતી. ત્યાર બાદ પતિએ પત્નીને વિધિ કરવા જવાનું કહી અવાવરુ સ્થળે તેના દાગીના કઢાવ્યા હતા. ત્યાર બાદ તેને સળિયો ઝીંકી પતાવી દીધી હતી. પતિના સ્કૂટી અને કપડાં પર લોહીના ડાઘ મળી આવતા પોલીસને શંકા થઈ હતી અને પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
તો બીજી ઘટનામાં ગુરુવારના રોજ હુડકો ક્વાર્ટર વિસ્તારમાં ઘર કંકાસના લીધે એક પુત્રએ પોતાના પિતાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મૃતકનું નામ નરેશ વ્યાસ છે. હત્યાનો આરોપ તેમના પુત્ર હર્ષ વ્યાસ પર મૂકવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે હત્યાનું મુખ્ય કારણ ઘર કંકાસ હતો. મૃતક નરેશ વ્યાસ છેલ્લા બે-ત્રણ વર્ષથી પરિવારજનોને હેરાન કરતા હતા.





















