રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં ચૌહાણ પરિવાર તરફથી ગ્રીનલેન્ડ ચોકડી નજીક માંડવાનું આયોજન કરાયું હતું.

આધુનિક યુગમાં પણ હજુ અંધશ્રદ્ધા અટકવાનું નામ લેતી નથી. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં ચૌહાણ પરિવાર તરફથી ગ્રીનલેન્ડ ચોકડી નજીક વિહત માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું. જેમાં છ પશુઓની બલી ચડાવાતા ખળભળાટ મચી ગયો હતો. ચૌહાણ પરિવારે માતાજીના માંડવામાં બલિ ચઢાવાયાની જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટને જાણ થઈ હતી. જેના આધારે દરોડો પાડ્યો હતો. આ સમયે 9 જીવતા પશુને બચાવી લેવાયા હતા. જ્યારે જીવ રક્ષા ફાઉન્ડેશનના દરોડાના પગલે આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતા થોરાળા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. થોરાળા પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એક ખાનગી સંસ્થા જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ સ્થળ પર દરોડા પાડવામાં આવતા સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો. ફાઉન્ડેશનના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા ત્યારે 6 પશુઓની બલી અપાઈ ચૂકી હતી. જોકે, તેમની ત્વરિત કાર્યવાહીને કારણે અન્ય 9 જીવતા પશુઓને બચાવી લેવામાં સફળતા મળી હતી. દરોડાની જાણકારી મળતા આ કૃત્યમાં સામેલ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતાં રાજકોટની થોરાળા પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ
રાજકોટમાં બે અલગ અલગ હત્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટનાને લઈને અરેરાટી મચી જવા પામી છે. એકમાં ઘર કંકાસમાં પુત્રએ જ પિતાની હત્યા કરી તો બીજી ઘટનામાં એક યુવતીની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. જો કે, યુવતીની હત્યા કેમ કરવામાં આવી તે અંગે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.
ભગવતીપરામાં મહિલાની ઘાતકી હત્યા
રાજકોટમાં હત્યાની પહેલી ઘટનામાં બેડી ચોકડી નજીક ભગવતીપરા વિસ્તારમાં સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયા (ઉંમર 33) નામની એક મહિલાનો મૃતદેહ માથું છૂંદેલી અને હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો છે.
આ અંગે વિગતે વાત કરીએ તો મૃતક મહિલા ભગવતીપરાની કોપરગ્રીન સોસાયટીમાં રહેતી હતી. મૃત્યુ પહેલાં તેમણે પોતાના પતિને પોતે પાણીપુરી ખાવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું અને ફેક્ટરીમાંથી પાછા આવતી વખતે તેમને સાથે લેતા જજો તેમ કહ્યું હતું.
યુવતીની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે હત્યાના આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.





















