Rajkot: સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર નશાની હાલતમાં, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
રાજકોટની સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાહિલ ખોખર પર નશાની હાલતમાં દર્દીઓની સારવાર કરવાનો આરોપ લાગ્યો છે.
રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાહિલ ખોખર પર નશાની હાલતમાં દર્દીઓની સારવાર કરવાનો આરોપ લાગ્યો છે. ડૉક્ટર સાહિલ ખોખર ડૉક્ટર રૂમના કબાટમાં દારૂ સંતાડતો હતો. બાદમાં કોઈ જોય નહીં તેમ દારૂના ઘૂંટ મારી ઈમરજન્સી વોર્ડમાં દર્દીઓની સારવાર કરતો.
ડૉક્ટર રૂમમાંથી પોલીસને 150 ML દારૂ મળી આવ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે તેના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર સુરેશ રાઠોડના જણાવ્યા મુજબ, ડૉક્ટર સામેના આરોપો અંગે તપાસ કમિટી બનાવી છે. જો આરોપો સાચા સાબિત થશે તો કડક કાર્યવાહી થશે. સાહિલ ખોખર છેલ્લા ચાર વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો.
અમદાવાદના કાલુપુરમાં ભર બપોરે યુવકને છરીના ઘા ઝિંકી પતાવી દીધો
રિક્ષામાં ત્રણ શખ્સ જતા હતા ત્યારે પાછળ રિક્ષામાં આવેલા શખ્સોએ પહેલા રિક્ષા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેથી રિક્ષામાં બેઠેલા ત્રણેય શખ્સ ભાગ્યા હતા. તેનો પીછો કરીને આરોપી સાદિક હુસેન અને લીયાકત હુસેને ભેગા મળીને તીક્ષ્ણ હથિયારો વડે પાંચકુવા પાસે જાહેરમાં સબાન અલી મોમીનને ઘા માર્યા હતા. સબાનઅલીને VS હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ફરિયાદી મોહમ્મદ ફૈઝાન અતરવાલા, મૃતકનો માસિયાઈ ભાઈ છે. ફરિયાદીના ભાઈ કાસીમહુસેનને પણ તલવારના ઘા મરાયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે લગ્ન પ્રસંગમાં જમવાની બાબતમાં ટોકવા જેવી બાબતમાં મનદુઃખ રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો.
સીટીએમમાં ડબલ ડેકર બ્રિજ પરથી યુવતીએ લગાવી છલાંગ
સીટીએમ પાસેના ડબલ ડેકર ઓવરબ્રિજ ઉપરથી ગઈકાલે બપોરે અજાણી યુવતીએ છલાંગ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ કૂદકો માર્યો હતો.ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ કેસની વિગત એવી છે કે પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ તરફ જતા ઓવરબ્રિજ ઉપર ગઈકાલે બપોરે એક યુવતીએ અગમ્ય કારણોસર ડબલ ડેકર ઓવર બ્રિજ ઉપરથી કૂદકો મારતી હોવાની જાણ થતાં લોકોનું ટોળું એકઠું થયું હતું. લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ બ્રિજ ઉપરથી છલાંગ મારી હતી જેથી શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ આવી પહોચી હતી અને સ્થળ પર સારવાર કરીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહ કલેશના કારણે મહિલાના આપઘાતના બનાવો વધી રહ્યા છે.